અમૃતસર: આસામની ડિબ્રુગઢ જેલમાં નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) હેઠળ બંધ ખડૂર સાહિબના સાંસદ અને ‘વારિસ પંજાબ દે’ સંગઠનના વડા અમૃતપાલ સિંહને દાદી ચરણ કૌરના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે અમૃતસરની અદાલતે એક દિવસના પેરોલ મંજૂર કર્યા છે. આ નિર્ણય સાથે જ અમૃતપાલ સિંહ ત્રણ વર્ષથી વધુ સમય બાદ પંજાબ પરત ફરશે.
32 વર્ષીય અમૃતપાલ સિંહ હાલમાં આસામની ડિબ્રુગઢ જેલમાં કડક સુરક્ષા હેઠળ બંધ છે. તેમના વિરુદ્ધ NSA ઉપરાંત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ પણ આરોપો છે.
અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલા બાદ ધરપકડ
ઉલ્લેખનીય છે કે 23 ફેબ્રુઆરી, 2023ના રોજ અમૃતસરના અજનાલા પોલીસ સ્ટેશન ખાતે અમૃતપાલ સિંહ અને તેમના સમર્થકોએ કથિત રીતે હુમલો કર્યો હતો. આ દરમિયાન કેટલાક સમર્થકો તલવારો અને હથિયારો સાથે બેરિકેડ્સ તોડીને પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા અને પોતાના એક સાથીને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના બાદ પંજાબ પોલીસે અમૃતપાલ સિંહની ધરપકડ માટે વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. એક મહિનાથી વધુ સમય સુધી પોલીસથી બચ્યા બાદ આખરે મોગા જિલ્લાના રોડે ગામમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.
જેલમાં રહીને લોકસભા ચૂંટણી જીત્યા
અમૃતપાલ સિંહે જેલમાં બંધ હોવા છતાં વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ખડૂર સાહિબ બેઠક પરથી ચૂંટણી લડી હતી અને વિજય મેળવ્યો હતો. તેમની જીતે પંજાબના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી હતી.
દરમિયાન, અજનાલા પોલીસ સ્ટેશન હુમલા કેસમાં ધરપકડ કરાયેલા તેમના નવ સાથીઓને પણ આસામની જેલમાંથી પંજાબ પરત લાવવામાં આવ્યા છે.
2027ની ચૂંટણીને લઈને પણ રાજકીય ચર્ચા
બીજી તરફ, ‘અકાલી દળ વારિસ પંજાબ દે’ દ્વારા વર્ષ 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી માટે બસ્સી પઠાણા બેઠક પરથી સતવંત સિંહને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તેઓ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાના કેસમાં દોષિત ઠરેલા કેહર સિંહના પુત્ર છે.
આ જાહેરાત બાદ પંજાબના રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ‘વારિસ પંજાબ દે’ની રાજકીય રણનીતિ પર સૌની નજર છે.
