બેંગલુરુ | અવધ એક્સપ્રેસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 13 નવેમ્બર, 2026ના રોજ બેંગલુરુ મેટ્રોની મહત્વપૂર્ણ પિંક લાઇનના 7.2 કિલોમીટર લાંબા એલિવેટેડ વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ નવા મેટ્રો વિભાગના શરૂ થવાથી બેંગલુરુના જાહેર પરિવહનને નવી ગતિ મળશે. ખાસ વાત એ છે કે આ વિભાગ કાર્યરત થતાં શહેરનું મેટ્રો નેટવર્ક પ્રથમ વખત 100 કિલોમીટરનો આંકડો પાર કરશે.
14 નવેમ્બરથી મુસાફરો માટે શરૂ થશે સેવા
કલેનાઅગ્રહારાથી તવારેકેરે સુધીનો આ નવો મેટ્રો વિભાગ 14 નવેમ્બર, 2026થી સામાન્ય મુસાફરો માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ રૂટમાં કુલ છ સ્ટેશનોનો સમાવેશ થાય છે.
જેમાં કલેનાઅગ્રહારા, હુલિમાવુ, IIMB (બિલેકાહલ્લી-IIMB), જે.પી. નગર ચોથો તબક્કો, જયદેવ હોસ્પિટલ અને તવારેકેરે સ્ટેશનનો સમાવેશ થાય છે. આ રૂટ પર મુસાફરી માટેનું ભાડું રૂ. 10થી રૂ. 30 સુધી નક્કી કરવામાં આવ્યું છે.
21.26 કિલોમીટર લાંબી હશે પિંક લાઇન
બેંગલુરુની નમ્મા મેટ્રોની પિંક લાઇન કુલ 21.26 કિલોમીટર લાંબી છે. તેમાં કુલ 18 સ્ટેશનો બનાવવામાં આવ્યા છે, જેમાં 12 ભૂગર્ભ અને 6 એલિવેટેડ સ્ટેશનોનો સમાવેશ થાય છે.
પિંક લાઇનના ભૂગર્ભ સ્ટેશનોમાં ડેરી સર્કલ, લક્કાસન્દ્રા, લેંગફોર્ડ ટાઉન, નેશનલ મિલિટરી સ્કૂલ, એમ.જી. રોડ, શિવાજી નગર, કેન્ટોનમેન્ટ, પોટરી ટાઉન, ટેનરી રોડ, વેંકટેશપુરા, કડુગુન્દનહલ્લી અને નાગાવારાનો સમાવેશ થાય છે. સમગ્ર તવારેકેરેથી નાગાવારા સુધીનો કોરિડોર વર્ષ 2027 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
વંદે ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી બતાવશે PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેંગલુરુ-મંગલુરુ-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી બતાવી રવાના કરશે. આ ટ્રેન બેંગલુરુના યશવંતપુર જંક્શનથી ગોવાના મડગાંવ સ્ટેશન વચ્ચે દોડશે. આ મુસાફરી પૂર્ણ કરવામાં અંદાજે 13 કલાકનો સમય લાગશે.
રૂ. 15,600 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ
પ્રધાનમંત્રી બેંગલુરુમાં રૂ. 15,600 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સમાં શહેરી પરિવહન, વીજળી ટ્રાન્સમિશન, નવીનીકરણીય ઊર્જા, પેટ્રોલિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કચરા વ્યવસ્થાપન અને રેલવે ક્ષેત્રનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કોપ્પલ-II અને ગડગ-II રિન્યુએબલ એનર્જી ઝોનના વીજળી નેટવર્ક સાથે જોડાણ માટે રૂ. 4,450 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલી ટ્રાન્સમિશન યોજનાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.
મંગલુરુમાં ભારતની સૌથી મોટી ભૂગર્ભ LPG સ્ટોરેજ ગુફા રાષ્ટ્રને સમર્પિત કરવાની સાથે દાવણગેરે-ચિત્રદુર્ગ અને બલ્લારી રિન્યુએબલ એનર્જી ઝોનના એકીકરણ માટે રૂ. 850 કરોડથી વધુના ખર્ચની ટ્રાન્સમિશન યોજનાનો શિલાન્યાસ પણ કરવામાં આવશે.
આ વિકાસકાર્યો કર્ણાટકમાં પરિવહન, ઊર્જા અને માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થવાની અપેક્ષા છે.
