કર્ણાટકના માંડ્યામાં ચોંકાવનારો કિસ્સો: જે મહિલાની હત્યા કરી મૃતદેહ કાવેરી નદીમાં ફેંક્યાનો આરોપ હતો, તે પતિ સાથે હયાત મળી આવી; વકીલોની તપાસથી સમગ્ર રહસ્યનો પર્દાફાશ
માંડ્યા
(કર્ણાટક): પોલીસ તપાસમાં ગંભીર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો કર્ણાટકના માંડ્યા જિલ્લામાં સામે આવ્યો છે. વર્ષ 2019માં ઘરેથી ગુમ થયેલી અને બાદમાં મૃત માનવામાં આવેલી મહિલા અચાનક જીવતી મળી આવતાં સમગ્ર પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલામાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે મહિલાની હત્યા કર્યાના આરોપસર એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી અને તેને લગભગ અઢી વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. હવે જે મહિલાની હત્યા થઈ હોવાનું માનવામાં આવતું હતું તે જ મહિલા જીવતી મળી આવતાં પોલીસની તપાસ, પુરાવા અને ફરિયાદની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
2019માં પિતાના ઘરેથી નીકળી હતી મંજૂ
મળતી માહિતી મુજબ, પાંડવપુરા તાલુકાના કે. શેટ્ટાહલ્લી ગામની રહેવાસી મંજૂ 3 જુલાઈ, 2019ના રોજ પોતાના પિતાના ઘરેથી નીકળી ગઈ હતી. કહેવાય છે કે તેના લગ્ન તેની ઇચ્છા વિરુદ્ધ કરાવવામાં આવ્યા હોવાથી તેણે ઘર છોડવાનો નિર્ણય લીધો હતો. ઘરેથી નીકળ્યા બાદ પાંડવપુરા બસ સ્ટેન્ડ પર એક રાહદારી પાસેથી મોબાઇલ ફોન લઈને તેણે ઘરે જરૂરી ફોન કર્યો હતો. આ મોબાઇલ રાગિમુદ્દનહલ્લીના રહેવાસી રાજેશનો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
ગુમ થયાની ફરિયાદથી શરૂ થઈ તપાસ
મંજૂ ઘરે પરત ન ફરતાં તેના પિતા નાગરાજુએ પાંડવપુરા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છેલ્લાં ફોન કોલની વિગતો તપાસતાં રાજેશના મોબાઇલમાંથી ફોન થયાનું જાણવા મળ્યું હતું. જોકે લાંબા સમય સુધી મંજૂનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે વર્ષ 2021માં ગુમ થયાનો કેસ બંધ કરવામાં આવ્યો હતો.
હત્યાનો ગંભીર આરોપ, રાજેશની ધરપકડ
ઓગસ્ટ 2021માં નાગરાજુએ બે વ્યક્તિઓના દાવાના આધારે ફરીથી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે રાજેશે મંજૂનું અપહરણ કરી તેની હત્યા કરી નાખી હતી અને મૃતદેહ કાવેરી નદીમાં ફેંકી દીધો હતો.
આ ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી રાજેશની ધરપકડ કરી હતી. જોકે સમગ્ર તપાસ દરમિયાન ન તો મંજૂનો મૃતદેહ મળ્યો હતો કે ન તો હત્યાને સાબિત કરી શકે તેવા કોઈ નક્કર ભૌતિક પુરાવા હાથ લાગ્યા હતા. તેમ છતાં કથિત સાક્ષીઓનાં નિવેદનો અને કબૂલાતના આધારે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પરિણામે રાજેશે આશરે બે થી અઢી વર્ષ જેલમાં વિતાવ્યાં હતાં. બાદમાં તેને જામીન મળ્યા હતા.
વકીલોએ શરૂ કરી તપાસ તો સામે આવ્યું ચોંકાવનારું સત્ય!
જેલમાંથી જામીન પર બહાર આવ્યા બાદ પણ રાજેશ પોતાને નિર્દોષ ગણાવતો રહ્યો હતો. પોતે જે ગુનો કર્યો જ નથી તેના આરોપમાં ફસાયો હોવાની વાતને સાબિત કરવા તેના વકીલો નટેશ અને વિશ્વનાથે પોતાના સ્તરે તપાસ શરૂ કરી હતી.
લાંબા સમયની શોધખોળ અને પ્રયાસો બાદ વકીલોને મંજૂનો પત્તો મળ્યો હતો. આશ્ચર્યજનક રીતે મંજૂ નાગમંગલા તાલુકાના બિંદિગણવિલે વિસ્તારમાં પોતાના પતિ સાથે રહેતી મળી આવી હતી. જે મહિલાની હત્યા થઈ હોવાનો આરોપ હતો તે હકીકતમાં જીવતી અને સામાન્ય જીવન જીવી રહી હતી.
મંજૂએ કહ્યુંઃ રાજેશને ઓળખતી પણ નથી!
વકીલોએ સમગ્ર હકીકત પોલીસના ધ્યાન પર લાવતાં પોલીસે મંજૂને સુરક્ષિત કેન્દ્રમાં રાખી તેનું નિવેદન નોંધ્યું હતું. મંજૂએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે તે રાજેશને ઓળખતી પણ નથી અને તેની સામે નોંધાયેલો હત્યાનો કેસ સંપૂર્ણપણે ખોટો છે. તેને તો પોતાના નામે હત્યાનો કેસ નોંધાયો હોવાની પણ જાણકારી નહોતી.
મંજૂ જીવતી મળી આવતાં વર્ષોથી ચાલતી હત્યાની કહાની સામે આવી ગઈ છે અને રાજેશ સામેના આરોપોની તપાસ હવે નવા વળાંક પર પહોંચી છે.
પોલીસ અધિક્ષકે ડીએસપી સ્તરે તપાસના આદેશ આપ્યા
આ સમગ્ર ઘટનાને પગલે રાજેશ અને તેના પરિવારે ખોટી ફરિયાદ નોંધાવનારાઓ તેમજ તપાસમાં બેદરકારી દાખવનારા નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર પ્રભાકર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.
માંડ્યાના પોલીસ અધિક્ષક ડૉ. શોભારાણીએ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીએસપી સ્તરે વિસ્તૃત તપાસના આદેશ આપ્યા છે. હવે તપાસમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે મહિલાનો મૃતદેહ મળ્યો ન હોવા છતાં હત્યાનો કેસ કેવી રીતે મજબૂત બનાવવામાં આવ્યો? પૂરતા ભૌતિક પુરાવા વિના ચાર્જશીટ કેવી રીતે દાખલ થઈ? અને એક નિર્દોષ હોવાનો દાવો કરતા યુવકને અઢી વર્ષ સુધી જેલમાં કેમ રહેવું પડ્યું?
સાત વર્ષનો સવાલઃ જવાબદાર કોણ?
આ ઘટના માત્ર એક યુવકની જિંદગી સાથે જોડાયેલી નથી, પરંતુ પોલીસ તપાસની પદ્ધતિ અને ન્યાયિક પ્રક્રિયામાં પુરાવાના મહત્ત્વ અંગે પણ અનેક સવાલો ઊભા કરે છે. જે મહિલાને મૃત માની લેવામાં આવી હતી તે જીવતી મળી આવી અને જે યુવકને હત્યાનો આરોપી બનાવવામાં આવ્યો હતો તે આજે પોતાની નિર્દોષતા સાબિત કરવા સંઘર્ષ કરી રહ્યો છે.
હવે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસમાં સત્ય બહાર આવે અને જો કોઈ અધિકારી કે ફરિયાદી દોષિત સાબિત થાય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માગ ઊઠી રહી છે.
અંતે સૌથી મોટો સવાલ એ જ છે કે જે હત્યા થઈ જ નહોતી તેના આરોપમાં એક યુવકની જિંદગીનાં અઢી વર્ષ જેલમાં કોણે બરબાદ કર્યાં?
