ઉત્તરાખંડના જ્યોતિર્મઠ વિસ્તારમાં હાથિ પહાડ નજીક દુર્ઘટના; તમામ મૃતકો કર્ણાટકના તીર્થયાત્રીઓ, બચાવ કામગીરી હાથ ધરાઈ
ઉત્તરાખંડમાં શુક્રવારે એક ગમખ્વાર હેલિકોપ્ટર દુર્ઘટના સર્જાઈ હતી. બદરીનાથ ધામથી દહેરાદૂનના સહસ્ત્રધારા હેલીપોર્ટ તરફ પરત ફરી રહેલું ટ્રાન્સ ભારત એવિએશનનું હેલિકોપ્ટર ખરાબ હવામાન વચ્ચે જ્યોતિર્મઠ વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાયલટ સહિત હેલિકોપ્ટરમાં સવાર તમામ છ લોકોનાં મોત નીપજ્યાં હતાં.
પ્રાપ્ત વિગતો અનુસાર, હેલિકોપ્ટર હાથિ પહાડ નજીક ચાંઈ ગામ અને લામબગડ વચ્ચે આવેલા જંગલ વિસ્તારમાં તૂટી પડ્યું હતું. દુર્ઘટનાની જાણ થતાં જ ભારતીય સેના, ભારત-તિબેટ સીમા પોલીસ (ITBP) અને રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ (SDRF)ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. દુર્ગમ જંગલ વિસ્તારમાંથી મૃતદેહોને બહાર કાઢી રસ્તા સુધી લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જ્યોતિર્મઠના એસડીએમ ચંદ્રશેખર વશિષ્ઠે દુર્ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ બચાવ એજન્સીઓને સક્રિય કરી દેવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સંબંધિત તમામ વિભાગોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
પાયલટ સહિત છ લોકોનાં મોત
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં હેલિકોપ્ટરના પાયલટ સહિત પાંચ મુસાફરોનો સમાવેશ થાય છે.
મૃતકોની યાદી:
- કેપ્ટન હિમાંશુ સભરવાલ (ઉંમર 48 વર્ષ), રહેવાસી દિલ્હી – પાયલટ.
- પ્રતાપા (ઉંમર 41 વર્ષ), રહેવાસી કર્ણાટક.
- અરુણ સાલુંકે (ઉંમર 44 વર્ષ), રહેવાસી કર્ણાટક.
- વી.બી. શંકર ગૌડા (ઉંમર 39 વર્ષ), રહેવાસી કર્ણાટક.
- સુધીર કે. (ઉંમર 50 વર્ષ), રહેવાસી કર્ણાટક.
- એચ.એસ. નટરાજા (ઉંમર 51 વર્ષ), રહેવાસી કર્ણાટક.
માના ગામની મુલાકાત બાદ પરત ફરી રહ્યા હતા યાત્રાળુઓ
મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટરમાં સવાર તીર્થયાત્રીઓ બદરીનાથ ધામનાં દર્શન કર્યા બાદ દેશના પ્રથમ ગામ તરીકે ઓળખાતા માના ગામની મુલાકાતે પણ ગયા હતા. ત્યારબાદ તમામ લોકો હેલિકોપ્ટર મારફતે સહસ્ત્રધારા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન જ્યોતિર્મઠ વિસ્તારમાં અચાનક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત બનતાં છ જિંદગીઓનો કરુણ અંત આવ્યો હતો. જોકે, હેલિકોપ્ટર ક્રેશ થવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
ટ્રાન્સ ભારત એવિએશનનાં હેલિકોપ્ટર અગાઉ પણ અકસ્માતનો ભોગ બન્યાં
ઉલ્લેખનીય છે કે ટ્રાન્સ ભારત એવિએશનના હેલિકોપ્ટર સાથે અકસ્માતની આ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ કંપનીનાં હેલિકોપ્ટરની કેદારનાથ મંદિર નજીક તેમજ સેરસી હેલીપેડ પાસે ક્રેશ લેન્ડિંગની ઘટનાઓ બની ચૂકી છે. થોડા દિવસ પહેલાં જ આ જ કંપનીના એક હેલિકોપ્ટરને ટિહરી જિલ્લાના ચંબા નજીક ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે હેલિકોપ્ટર સેવા અને તેની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે.
