અવધ એક્સપ્રેસ | બાલાસિનોર
યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત કાર્યરત માય ભારત મહીસાગર, શ્રી સરસ્વતી હાઇસ્કુલ.જોરાપુરા.તાલુકો. બાલાસિનોર જી.મહીસાગર ખાતે નેબરહૂડ યુથ પાર્લામેન્ટ 2026-27 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની મુખ્ય થીમ “નશા મુક્ત યુવા રાખવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં, શાળાના આચાર્ય પંકજ પટેલ, અંબાલાલ શર્મા, નિવૃત્તિ બેન પટેલ, રમેશ પટેલ, જગદીશભાઈ પટેલ. વિજયભાઈ પટેલસહિત શાળાના તમામ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં નશાના દુષ્પરિણામો અંગે જાગૃતિ ફેલાવવાનો તથા નશામુક્ત સમાજના નિર્માણમાં યુવાનોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વિદ્યાર્થીઓને નશામુક્તિ અંગે શપથ લેવડાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ નશાથી દૂર રહેવા અને સમાજમાં નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા માટે સંકલ્પ લીધો હતો.
આ ઉપરાંત, વિદ્યાર્થીઓ દ્વારા નશામુક્તિ અંગેના વિવિધ પ્રેરણાદાયી સૂત્રો (સ્લોગન) લખીને સ્લોગન બોક્સમાં એકત્રિત કરવામાં આવ્યા હતા. નશામુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે ‘નશા મુક્તિ સિગ્નેચર વોલ’ પર પણ વિદ્યાર્થીઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓએ નશામુક્ત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવતી અન્ય વિવિધ પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં નશામુક્ત જીવનશૈલી અપનાવવા, સામાજિક જવાબદારી નિભાવવા અને અન્ય લોકોને પણ નશાથી દૂર રહેવા પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
માય ભારત મહીસાગર દ્વારા યુવાનોમાં સામાજિક જાગૃતિ, નેતૃત્વ ક્ષમતા અને સકારાત્મક વિચારો વિકસાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. નેબરહૂડ યુથ પાર્લામેન્ટ 2026-27નો આ કાર્યક્રમ પણ નશામુક્ત સમાજ અને સશક્ત યુવા પેઢીના નિર્માણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું બની રહ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન જિલ્લા યુવા અધિકારી અભિષેક શુક્લાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
