કાજર બારીયા (છોટાઉદેપુર)
શ્રી વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ, પાવીજેતપુર સંચાલિત શ્રી આદિવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ભેંસાવહી ખાતે શાળાના ચાર સમર્પિત કર્મયોગીઓ વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ અત્યંત ગરિમાપૂર્ણ અને ભાવસભર વાતાવરણમાં ભવ્યતાથી સંપન્ન થયો હતો.
કાર્યક્રમમાં આચાર્ય ડી. સી. કોલી, મદદનીશ શિક્ષક કે. ટી. રાઠવા, ગ્રંથપાલ એ. બી. શાહ તેમજ સેવક ટી. બી. રાઠવાને શિક્ષણ ક્ષેત્રે આપેલી દીર્ઘકાલીન સેવાઓ બદલ સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી.
આ સમારંભમાં અધ્યક્ષ તરીકે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને મુખ્ય મહેમાન તરીકે છોટાઉદેપુરના ડી.ઈ.ઓ. આનંદકુમાર પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નયનાબેન રાઠવા તેમજ જિલ્લાભરના વિવિધ શાળાઓના આચાર્યોએ ઉપસ્થિત રહી નિવૃત્ત કર્મયોગીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
નિવૃત્ત થતા આચાર્ય ડી.સી કોલી દ્વારા પોતાનો તેમજ શાળાના સર્વાંગી વિકાસ અંગે ચિતાર રજૂ કર્યો હતો તેમ જ સન્માન બદલ આભાર માન્યો હતો. વિશેષમાં, માજી એ.પી.એમ.સી. પ્રમુખ ઉમેશભાઈ શાહે પોતાની આગવી શૈલીમાં રમૂજી વાતો રજૂ કરી સમગ્ર માહોલને હળવો અને આનંદમય બનાવી દીધો હતો. કાર્યક્રમ દરમિયાન વનવાસી સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ રણજીતસિંહ રાઠવા, મંત્રી નવલસિંહ રાઠવા તેમજ શાળા પરિવારે ઉપસ્થિત રહી વ્યવસ્થા સંભાળી હતી. તેમજ ઉપસ્થિત સર્વે મહેમાનો માટે પ્રીતિભોજન રાખવામાં આવ્યું હતું.
આ સમયે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ તમામ નિવૃત્ત થતા કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ નવીન ૨૦૩૫ માટેનું છોટાઉદેપુર જિલ્લાનું વિઝન અંગેની વાત કરી હતી. આધુનિક ટેકનોલોજી સાથે શિક્ષણ મેળવી પ્રગતિ કરવાની બાળકોને હાકલ કરી હતી. સમગ્ર કાર્યક્રમ ભાવુક અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ વચ્ચે યાદગાર રીતે સંપન્ન થયો હતો.
વિઝન ૨૦૩૫’: છોટાઉદેપુર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે ખાસ પોર્ટલ શરૂ કરાશે
વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત દેશ વિકસિત અને આત્મનિર્ભર બને તે દિશામાં નવી શિક્ષણ નીતિ સહિતના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ કડી હેઠળ ગુજરાત સરકાર દ્વારા આગામી ૨૦૨૫ થી ૨૦૩૫ સુધીના ૧૦ વર્ષ માટે ‘વિઝન ૨૦૩૫ ગુજરાત’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યના તમામ ધારાસભ્યોને પોતપોતાના મતવિસ્તાર અને જિલ્લાના વિકાસ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવા જણાવવામાં આવ્યું છે.
શ્રી આદિવાસી માધ્યમિક શાળા, ભેંસાવહી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા બોલતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૩૫ સુધીમાં છોટાઉદેપુર જિલ્લાના સર્વાંગી વિકાસને આગળ ધપાવવા માટે ૧૦ મહત્ત્વપૂર્ણ પિલર (સ્તંભો) પર આધારિત વિશેષ આયોજન ઘડવામાં આવ્યું છે.
આ વિકાસલક્ષી યોજનામાં લોકભાગીદારી સુનિશ્ચિત કરવા માટે એક નવું પોર્ટલ (વેબપેજ) તૈયાર કરવામાં આવશે. આ પોર્ટલના માધ્યમથી જિલ્લાના તમામ નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓ પોતાના વિચારો તથા લક્ષ્યો રજૂ કરી શકશે. આગામી સમયમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરી ખેતીવાડી, શિક્ષણ, સિંચાઈ, ઊર્જા, રોજગારી, ઔદ્યોગિક વિકાસ તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિવિધ ક્ષેત્રોમાં છોટાઉદેપુર જિલ્લો નવી ઊંચાઈઓ સર કરે તે અંગે જનસૂચનો મેળવીને આગળની રણનીતિ ઘડવામાં આવશે.
