અવધ એક્સપ્રેસ | વડોદરા
ચાલુ વર્ષે સને-૨૦૨૬ના દિવાળીના તહેવારો દરમ્યાન ફટાકડાની હંગામી દુકાનો કરવા માટે પોલીસ કમિશ્નર, વડોદરા શહેર પાસેથી પરવાના મેળવવા જરૂરી છે. જે અંગેના ફોર્મ કચેરી સમય દરમ્યાન (જાહેર રજા સિવાય) અત્રેની કચેરીની લાયસન્સ શાખામાંથી મેળવી લેવાના રહેશે અને આવા પરવાના માટે એકસ્પ્લોઝીવ રૂલ્સ ૧૯૮૩ના નિયમ-૧૫૪ (૪)માં દર્શાવેલ ફોર્મ નં.૪માં આગામી તા.૩૦/૧૦/૨૦૨૬ સુધીમાં પોલીસ કમિશ્નરશ્રી, વડોદરા શહેરની કચેરીને મળે તે પ્રમાણે અરજી ચાર નકલમાં (દુકાનનો નકશો તથા જરૂરી દસ્તાવેજો જે અરજી ફોર્મમાં દર્શાવેલ તમામ) મોકલી આપવાની રહેશે. ત્યારબાદ કરેલ અરજી સ્વીકારવામાં આવશે નહી.
એકસ્પ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ તા.૩૧-૧૨-૨૦૦૮થી અમલમાં આવેલ હોવાથી સદર નિયમોના નિયમ.૮૪માં જણાવેલ શરતો અને નિયમ-૮૫માં નિર્દિષ્ટ કરેલ સાવચેતીના પગલાને અનુસરવાની શરતે આતશબાજીની (ફટાકડા) હંગામી દુકાનોનું સ્થળ નીચે જણાવેલ વિગતોવાળુ તેમજ ગુજરાત સરકાર તથા પોલીસ કમિશ્નરશ્રી, વડોદરા શહેરએ વખતોવખત બહાર પાડેલ નિતીનિયમો અને તમામ શરતોનું પાલન કરવાનું રહેશે. પોલીસ કમિશ્નર વડોદરા શહેરના હદ વિસ્તારમાં એવી કોઈપણ વ્યકતિ કે જે દિવાળીના તહેવાર દરમ્યાન ફટાકડાની હંગામી દુકાનો શરૂ કરવા માંગતા હોય તેઓએ ફરજીયાત પોલીસ કમિશ્નરની કચેરીની લાયસન્સ શાખા ખાતેથી ફટાકડાના સ્ટોલ/વેચાણ માટે હંગામી પરવાનો મેળવવાનો રહેશે. હંગામી પરવાના વગર ફટાકડાનું કોઈ પણ સંજોગોમાં વેચાણ કરી શકાશે નહી.

દુકાનોનું બાંધકામ ઈંટ, પથ્થર, કોંક્રીટનું હોવુ જોઈએ અથવા દુકાનોનું બાંધકામ સુરક્ષિત કે જલદીથી સળગી ન ઉઠે તેવા પદાર્થોનું હોવું જોઈએ. દુકાનોનું ભોયતળિયું ઓછામાં ઓછુ ૯ (નવ) ચોરસ મીટરના ક્ષેત્રફળ વાળું હોવું જોઈએ. દુકાનને સ્વતંત્ર પ્રવેશદ્વાર તથા બહાર નીકળવાનો માર્ગ અલગ અલગ હોવા જોઈએ. એક દારૂખાનાની દુકાનથી ૫ (પાંચ) મીટરથી ઓછા અંતરમાં બીજી દારૂખાનાની દુકાન હોવી જોઈએ નહી. દારૂખાનાની દુકાનમાં આગળ-પાછળના ભાગમાં છજા (છત) કાઢી કપડા, પતરા વિગેરે લગાડી વિસ્તૃત કરી શકાશે નહી. દારૂખાનાની દુકાનમાં પરવાનામાં જણાવેલ દારૂખાના સિવાય અન્ય કોઈ ચીજ વસ્તુનું વેચાણ કરી શકાશે નહી. દુકાનમાં ચાઈનીઝ બનાવટની બંદુકો કે અન્ય પ્રકારની બનાવટો કે દારૂગોળો કે જેનાથી અનિયંત્રિત ભડકો થઈ શકે તેવી બનાવટો કે દારૂગોળો વેચાણ કરી શકાશે નહી. દુકાનોમાં માલસામાનની હેરફેર માટેના વાહનોને ફકત કલાક ૦૦-૦૦ થી સવાર કલાક ૦૮-૦૦ સુધી દુકાન પ્રવેશ આપવાનો રહેશે. વાહન પાર્કીંગની વ્યવસ્થા દુકાનોથી ઓછામાં ઓછા ૨૫ મીટરના અંતરે રાખવાની રહેશે. દારૂખાનાની દુકાનો રહેણાંકથી (વસ્તીથી) ૧૦૦ મીટર દુર ખુલ્લામાં હોવી જોઈએ. દુકાન ઉપરની વિગતવાળી હોવા અંગે ચાર નકલમાં અરજદારને ફાળવેલ પ્લોટ/દુકાન નંબર સાથે સ્પષ્ટ દર્શાવવા તેમજ દુકાન ભાડે આપ્યાની પાવતી રજુ કરવાની રહેશે. પરવાના માટેની ફી રૂ.૬૦૦/- (અંકે રૂપિયા છસ્સો પુરા) રોકડા અત્રેથી સુચના આપ્યા બાદ ચલણથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, માંડવી શાખા, વડોદરા ખાતે જમા કરાવવાના રહેશે. સી.સી.ટી.વી કેમેરા એકજ હરોળમાં લગાવવાના બદલે “L” શેપમાં લગાવવામાં આવે તથા દુકાનોની હરોળની વચ્ચે લગાવવામાં આવે તો સમગ્ર વિસ્તાર આવરી શકાય અને તે થકી બે દુકાન વચ્ચેનું અંતર બરાબર જળવાય છે કે નથી જળવાતુ વચ્ચે સામાન મુકવામાં આવે છે કે નથી મુકવામા આવતુ, કોઈ દુકાનદાર પોતાનું વાહન વચ્ચે લાવે છે કે નહી તે ચકાસી શકાય છે. દુકાનોના સ્થળે ફકત રેતી અને પાણીની ડોલ સિવાય અગ્નિશામન માટે આધુનિક સ્મોક ડીટેકટર્સ તથા વોટર સ્પિંકલર્સની વ્યવસ્થા ફરજીયાતપણે કરવાની રહેશે. ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ માટે અલગ અલગ પાર્કીંગની વ્યવસ્થા કરવાની રહેશે. દુકાનદારોના વાહનો માટે અલાયદી વ્યવસ્થા કરવી. આયોજકો દ્વારા રાખવામાં આવેલ સીક્યુરીટીના માણસોનું જે-તે વિસ્તારના પોલીસ ઈન્સ્પેકટર દ્વારા અલગથી બ્રીફીંગ કરાવવાનું રહેશે. શું કરવું અને શું ન કરવું (Dos and don’ts) તે વિશે જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનો દ્વારા દુકાનદારોએ બ્રીફીંગ કરાવવાનું રહેશે આને લગત સુચનાઓનું બોર્ડ દુકાન ઉપર રાખવાનું રહેશે.
