ઘોઘંબા તાલુકાના નવાનગર ગામના લીલગરી ફળિયામાં રસ્તાની સુવિધાના અભાવે એક દર્દીને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઘરે પહોંચાડવા માટે ગ્રામજનોએ ખાટલાનો સહારો લેવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે. રસ્તાના અભાવે કોઈ વાહન ઘર સુધી પહોંચી ન શકતાં દર્દીને ખાટલામાં સુવડાવી ચાર ગ્રામજનોએ કાંધ આપી ઘર સુધી પહોંચાડ્યો હતો.
મળતી માહિતી મુજબ, નવાનગરના લીલગરી ફળિયાના એક યુવાનને અકસ્માતમાં ઈજા થતાં પગમાં ફ્રેક્ચર થયું હતું. યુવાનને સારવાર માટે ગોધરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેને રજા આપવામાં આવી હતી. પરિવારજનો યુવાનને ઘરે પરત લાવ્યા ત્યારે રસ્તાની વાસ્તવિક સમસ્યા સામે આવી હતી.

ફળિયા સુધી વાહન પહોંચી શકે તેવી યોગ્ય રસ્તાની સુવિધા ન હોવાથી એમ્બ્યુલન્સ કે અન્ય કોઈ વાહન દર્દીને ઘર સુધી લઈ જઈ શકે તેવી સ્થિતિ નહોતી. આખરે ગ્રામજનોએ ખાટલો મંગાવી તેના પર દર્દીને સુવડાવ્યો હતો. ત્યારબાદ ચાર ગ્રામજનોએ ખાટલાને કાંધ આપી કાચા-અસુવિધાજનક માર્ગ પરથી દર્દીને તેના ઘરે પહોંચાડ્યો હતો.
આ સમગ્ર ઘટનાએ ‘વિકાસના દાવા’ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓની સ્થિતિ અંગે સવાલો ઊભા કર્યા છે. બીમાર કે ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે રસ્તો જરૂરી છે, પરંતુ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઘરે પહોંચાડવા માટે પણ રસ્તો ન મળે તો આવી પરિસ્થિતિમાં ગ્રામજનો માટે મુશ્કેલી કેટલી ગંભીર હશે તેનો અંદાજ આ ઘટનાથી આવી શકે છે.
