સાવલીથી ઉદલપુર સુધીના આશરે 38 કિલોમીટર લાંબા માર્ગના રૂ.389 કરોડના ખર્ચે ચાર માર્ગીય નવીનીકરણની કામગીરી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ માર્ગ પર ઠેર-ઠેર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહનચાલકો માટે મુસાફરી જોખમી બની છે. કરોડોના ખર્ચે બની રહેલા માર્ગની કામગીરી વચ્ચે હાલની રસ્તાની બિસ્માર સ્થિતિએ તાલુકાવાસીઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે.
સાવલી–ઉદલપુર માર્ગ પર ક્વોરી ઉદ્યોગના કારણે ભારે વાહનોની સતત અવરજવર રહે છે. 24 કલાક ધમધમતા આ માર્ગ પર પડેલા ખાડાઓના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બાઈકચાલકો માટે ખાડાઓ જોખમી સાબિત થઈ રહ્યા છે.

ગત રોજ ખાડાના કારણે બાઈકસવાર અકસ્માતનો ભોગ બનતા-બનતા આબાદ બચી ગયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. માર્ગની વાસ્તવિક સ્થિતિ દર્શાવતો આ વીડિયો ચર્ચાનો વિષય બનતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊઠ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા પ્રજાની સુવિધા માટે સાવલી–ઉદલપુર માર્ગને ચાર માર્ગીય બનાવવા રૂ.389 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. આશરે એક વર્ષ અગાઉ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને 6 ઓગસ્ટ, 2027 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાની સમયમર્યાદા હોવાનું જણાવાયું છે. જોકે, હાલમાં પણ માર્ગનું મોટાભાગનું કામ બાકી હોવાને કારણે કામગીરીની ગતિ સામે સવાલો ઊભા થયા છે.

મળતી માહિતી મુજબ જમીન સંપાદન તેમજ વન વિભાગની વૃક્ષ કાપવાની મંજૂરી સહિતના મુદ્દાઓને કારણે કામગીરીમાં વિલંબ થઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સરકારના વિવિધ વિભાગો વચ્ચે જરૂરી સંકલનના અભાવે વિકાસલક્ષી પ્રોજેક્ટની કામગીરી ધીમી પડતી હોવાનો સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ સમગ્ર મામલે ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે સાવલી–ડેસર વિસ્તારમાંથી ક્વોરી ઉદ્યોગનું મટીરીયલ સમગ્ર રાજ્યમાં સપ્લાય થાય છે, જેના કારણે આ માર્ગ પર ભારે ટ્રાફિક રહે છે. વન વિભાગ અને મહેસૂલ વિભાગ વચ્ચેના સંકલનના અભાવે રોડની કામગીરીમાં વિલંબ થતો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. ધારાસભ્યએ જણાવ્યું હતું કે વન વિભાગની પરમિશન સહિતના મુદ્દે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરી છે. મુખ્યમંત્રીએ પણ મામલે દરમિયાનગીરી કરીને વહેલી તકે નિરાકરણ લાવવા સૂચના આપી હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે પ્રજાલક્ષી કામો આ પ્રકારના કારણોસર અટકે તે ગંભીર બાબત છે અને આ મુદ્દાને ગંભીરતાથી લેવો જોઈએ. મુખ્યમંત્રીની સૂચના બાદ વન વિભાગની પરમિશન તથા અન્ય બાકી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ થઈ રોડનું કામ આગળ વધશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
રસ્તાની બિસ્માર હાલત અને મસમોટા ખાડાઓ અંગે મીડિયા દ્વારા અહેવાલ પ્રકાશિત થયા બાદ જાણે તંત્રની આળસ મરડી હોય તેમ અધિકારીઓ અને તંત્રની ટીમ રસ્તા પર દોડી આવી હતી. મીડિયા કર્મીઓની અવરજવર વચ્ચે યુદ્ધના ધોરણે ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મીડિયા અહેવાલ બાદ તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરાતા તાલુકાવાસીઓમાં પણ કૌતુક સાથે રાહતની લાગણી જોવા મળી હતી. સ્થાનિકોએ સમસ્યાને ઉજાગર કરવા બદલ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.
હવે સવાલ એ છે કે રૂ.389 કરોડના ખર્ચે બની રહેલા આ મહત્વાકાંક્ષી માર્ગનું કામ સમયમર્યાદામાં પૂર્ણ થશે કે પછી વિભાગીય સંકલનના અભાવે પ્રજાને હજુ કેટલો સમય ખાડાઓ અને જોખમી મુસાફરીનો સામનો કરવો પડશે?
* ખાડામાં ગબડતા બાઈકસવારનો વીડિયો વાયરલ : મીડિયા અહેવાલ બાદ તંત્ર દોડતું થયું, યુદ્ધના ધોરણે ખાડા પૂરવાની કામગીરી શરૂ
