દેશમાં જ્યારે લોકો પોતાના પરિવાર સાથે તહેવારોની ખુશીઓ માણતા હોય છે, ત્યારે પોલીસ કર્મચારીઓ માટે ફરજ જ સૌથી મોટો તહેવાર બની રહે છે. લોકો નિર્ભય બની પોતાના તહેવારો ઉજવી શકે, શહેર-નગરમાં શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ જવાનો પોતાની વ્યક્તિગત ખુશીઓ અને પરિવાર સાથેનો સમય પણ બાજુએ મૂકી ફરજના મેદાનમાં ખડેપગે રહે છે.
આ જ ફરજભાવનાની ઝલક ગણેશ ચતુર્થીના પાવન તહેવાર પૂર્વે ઘોઘંબા નગરમાં યોજાયેલી રાજગઢ પોલીસની શિસ્તબદ્ધ ફ્લેગમાર્ચમાં જોવા મળી હતી. એક તરફ મેઘરાજાએ ધબડાટી બોલાવી હતી, રસ્તાઓ પર વરસાદી માહોલ હતો, ત્યારે બીજી તરફ વરસાદની પરવા કર્યા વિના પોલીસ જવાનો ગણેશોત્સવ શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં ઉજવાય તે માટે નગરમાં ફ્લેગમાર્ચ યોજી રહ્યા હતા.
ડીવાયએસપી નવીન આહીરની અધ્યક્ષતામાં યોજાયેલી ફ્લેગમાર્ચમાં રાજગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.બી. ગઢવી, પીએસઆઈ આર.એસ. રાઠોડ સહિત પોલીસ સ્ટાફ તથા જીઆરડી જવાનો જોડાયા હતા. પોલીસ ટીમે ઘોઘંબા નગરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસની શિસ્તબદ્ધ હાજરીથી નગરમાં સુરક્ષાનો માહોલ સર્જાયો હતો અને ગણેશોત્સવ દરમિયાન શાંતિ, ભાઈચારો તથા સૌહાર્દ જળવાઈ રહે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો.

ગણેશોત્સવ હોય કે અન્ય કોઈ ધાર્મિક તહેવાર, સામાન્ય નાગરિકો પરિવાર સાથે ઉજવણીમાં વ્યસ્ત હોય છે ત્યારે પોલીસ કર્મચારીઓ રસ્તા પર પોતાની ફરજ બજાવતા જોવા મળે છે. તેમના માટે પોતાની ખુશીઓ કરતાં લોકોની સુરક્ષા અને શાંતિ વધુ મહત્વની બની રહે છે. ગણેશોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને, શ્રદ્ધાળુઓ અને નગરજનો નિર્ભય રીતે તહેવારની ઉજવણી કરી શકે તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રાજગઢ પોલીસ દ્વારા સજ્જતા દર્શાવવામાં આવી હતી.
‘લોકો ખુશ રહે, તહેવાર શાંતિથી ઉજવે અને દરેક નાગરિક સુરક્ષિત રહે’આ ભાવનાને હૃદયમાં રાખીને ફરજ બજાવતા પોલીસ જવાનો ખરેખર તહેવારોના મૌન રક્ષક બની રહે છે. ઘોઘંબાની ફ્લેગમાર્ચે પણ જાણે એક જ સંદેશ આપ્યો હતો
* .“તહેવાર તમે મનાવો… તમારી સુરક્ષાની જવાબદારી અમારી.” મેઘરાજાની ધબડાટી વચ્ચે પણ પોલીસ ખડેપગે : ‘તહેવાર તમારો, સુરક્ષા અમારી’નો સંદેશ દરેક ધર્મના તહેવારો શાંતિથી ઉજવાય તે માટે પોલીસ તંત્રની સજ્જતા
