54 વર્ષીય આધેડના મોબાઈલનું એક્સેસ મેળવી ખાતામાંથી ટુકડે-ટુકડે રકમ ઉપાડી લેવાઈ
સાવલી: સાવલી નગરમાં રહેતા 54 વર્ષીય આધેડને RTO ચલણના નામે નકલી ફાઈલ મોકલી મોબાઈલનું એક્સેસ મેળવી તેમના બેંક ખાતામાંથી રૂ.14.90 લાખ ઉપાડી લેતાં ચકચાર મચી છે. સમગ્ર મામલે સાવલી પોલીસ મથકે અજાણ્યા મોબાઈલ ધારક વિરુદ્ધ IT એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે સાયબર ઠગને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો મુજબ, સાવલીના માતા ભાગોળ વિસ્તારમાં રહેતા કેશવલાલ લધ્ધાભાઈ પટેલ PVC વોટર ટેન્કની કંપની ચલાવે છે. તેમના મોબાઈલ પર તા.11-12-2025થી તા.16-12-2025 દરમિયાન **‘RTO ચલણ’**ના નામે એક ફાઈલ તથા APK ફાઈલની લિંક મોકલવામાં આવી હતી.
RTO ચલણ સંબંધિત ફાઈલ હોવાનું માની ફરિયાદીએ અજાણતા આ APK ફાઈલ ડાઉનલોડ કરી હતી. ફાઈલ ડાઉનલોડ થતાં જ સાયબર ઠગે નકલી APK મારફતે તેમના મોબાઈલનું એક્સેસ મેળવી લીધું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ત્યારબાદ ફરિયાદીના બેંક ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ રૂ.14,90,000ની રકમ ઉપાડી લેવામાં આવી હતી. ખાતામાંથી મોટી રકમ ઉપડી જતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.
બનાવની જાણ થતાં કેશવલાલ પટેલે સાવલી પોલીસ મથકનો સંપર્ક કરી અજાણ્યા મોબાઈલ ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે IT એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી મોબાઈલ નંબર તથા સાયબર ટ્રાન્ઝેક્શનના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
RTO ચલણના નામે આવતી અજાણી APK ફાઈલ કે લિંક પર ક્લિક કરવાથી મોબાઈલ અને બેંકિંગ માહિતી સાયબર ઠગોના હાથમાં જઈ શકે છે. સાયબર ઠગાઈનો આ બનાવ લોકો માટે પણ ચેતવણીરૂપ બન્યો છે.
