ચોમાસાની સિઝન આગળ વધી રહી હોવા છતાં ઘોઘંબા તાલુકામાં અપેક્ષા કરતાં ઓછો વરસાદ નોંધાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ સિઝનમાં વરસાદનું પ્રમાણ ઘટતાં ખેતી માટેના પાણીના જથ્થા અંગે અત્યારથી જ સવાલો ઊભા થયા છે. ખાસ કરીને તાલુકાના ખેડૂતો માટે સિંચાઈનો મહત્વનો આધાર ગણાતા કરાડ ડેમની સપાટી હજુ પણ અપેક્ષા મુજબ પહોંચી નથી.

12 ઓગસ્ટ, 2026ની સ્થિતિ મુજબ કરાડ ડેમમાં લેવલ 135.20 ફૂટ, કુલ જળસંગ્રહ 21.05 અને જીવંત જળસંગ્રહ 18.67 નોંધાયો છે. ડેમમાં 130ની પાણીની આવક સામે હાલ આઉટફ્લો શૂન્ય છે. છેલ્લા વરસાદમાં 6 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે સિઝનનો કુલ વરસાદ 533 મીમી નોંધાયો છે.
ગત વર્ષની સરખામણીએ વરસાદમાં મોટો ઘટાડો
ઘોઘંબા તાલુકામાં ગત સિઝનમાં આશરે 80 ટકા વરસાદ નોંધાયો હતો, જ્યારે ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં માત્ર 49 ટકા જેટલો વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. એટલે કે ગત વર્ષની સરખામણીએ વરસાદનું પ્રમાણ આશરે 30 ટકા ઓછું રહેતા ખેતીની સ્થિતિને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.
છેલ્લા દિવસોમાં ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે કરાડ ડેમમાં પાણીની આવક વધી છે અને ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. જોકે, સમગ્ર સિઝન દરમિયાન વરસાદનું પ્રમાણ ઓછું રહેતા ડેમની સપાટી હજુ ગત વર્ષની સરખામણીએ નીચી હોવાનું ચિત્ર છે.

ડેમ નહીં ભરાય તો ઉનાળામાં સિંચાઈની કટોકટી?
કરાડ ડેમ જો ચોમાસાની સિઝનમાં પૂરતો નહીં ભરાય તો તેની સીધી અસર આગામી રવિ અને ઉનાળાની ખેતી પર પડી શકે છે. ડેમના પાણી પર આધાર રાખતી હજારો એકર જમીનને સિંચાઈ માટે પાણીની અછત સર્જાવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
ખાસ કરીને ઘોઘંબા અને કાલોલ તાલુકાના ડાંગર પકવતા ખેડૂતો માટે કરાડ ડેમનું પાણી અત્યંત મહત્વનું છે. ડેમમાં પૂરતો જળસંગ્રહ નહીં થાય તો ઉનાળાના પાછલા દિવસોમાં સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની શકે છે.
ઓછા વરસાદની સીધી અસર ખેતી પર
વરસાદ ઓછો પડવાથી માત્ર ડેમની સપાટી જ નહીં, પરંતુ સમગ્ર ખેતી વ્યવસ્થા પર તેની અસર જોવા મળી શકે છે. ભૂગર્ભજળના સ્તરમાં ઘટાડો, બોર અને કૂવામાં પાણીની અછત, પાકને સમયસર સિંચાઈ ન મળવી તેમજ ઉનાળુ પાકના વાવેતર પર અસર જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
હાલ ખેડૂતોની નજર આગામી વરસાદ પર મંડાયેલી છે. ઉપરવાસમાં સારો વરસાદ પડે અને કરાડ ડેમમાં પાણીની આવક વધે તો ખેડૂતોને રાહત મળી શકે તેમ છે. પરંતુ જો આગામી દિવસોમાં પણ વરસાદે વિરામ લીધો તો ડેમમાં જળસંગ્રહની સ્થિતિ ખેડૂતો માટે ગંભીર ચિંતાનો વિષય બની શકે છે.
હવે મેઘરાજાની મહેર જ કરાડ ડેમને છલકાવી શકે છે અને હજારો એકર ખેતીની જમીનને આગામી ઉનાળાની પાણીની ચિંતામાંથી રાહત આપી શકે છે.
