ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે ઘોઘંબા તાલુકા ભાજપ દ્વારા વિવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્મદિવસની ઉજવણીને સેવાકાર્ય સાથે જોડતા કાર્યકર્તાઓ દ્વારા આંગણવાડીના બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ઘોઘંબા સરકારી હોસ્પિટલ ખાતે પણ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. ભાજપ યુવા મોરચા દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને બિસ્કીટ તથા ફ્રૂટનું વિતરણ કરી સેવાભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

તાલુકા ભાજપ કિસાન મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા કાર્યકર્તાઓએ વૃક્ષોના જતનનો સંકલ્પ પણ લીધો હતો.
આ સેવાકીય કાર્યક્રમોમાં ઘોઘંબા ભાજપ મંડલ અધ્યક્ષ નરેન્દ્રસિંહ પરમાર, મહામંત્રી ગુણવંતસિંહ ગોહિલ, જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી જયપાલસિંહ રાઠોડ, જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી બલદેવ ચૌહાણ, જિલ્લા મંત્રી ભીખાભાઈ, તાલુકા કિસાન મોરચાના પ્રમુખ મિતલ પટેલ, મહામંત્રી નરેન્દ્રસિંહ સોલંકી, રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ, યુવા મોરચાના પ્રમુખ હરદેવસિંહ, મહામંત્રી સાગરસિંહ ગોહિલ, આકાશ જાદવ તેમજ સ્થાનિક સરપંચ નિલેશ વરિયા સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

જન્મદિવસની ઉજવણીને માત્ર ઔપચારિક કાર્યક્રમ પૂરતી સીમિત ન રાખી સેવા, આરોગ્ય અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે ઉજવવામાં આવતા સ્થાનિક સ્તરે આ કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો હતો.
