માંગરોળ, પ્રતિનિધિ અખલાક ભાભા
પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાની રજૂઆત
માંગરોળ તાલુકાના ઓજી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરી છે. ઓજી વિસ્તારમાં રહેતા 1000થી વધુ પરિવારોને પીવાનું પાણી નિયમિત અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે ઊંચી પાણીની ટાંકી તેમજ સંપ ફાળવવાની માંગ કરવામાં આવી છે.
માંગરોળ તાલુકામાં 19 જિલ્લા પંચાયત બેઠકો પૈકી ઓજી વિસ્તાર તાલુકા પંચાયતની એક બેઠક હેઠળ આવે છે. અંદાજે પાંચ ચોરસ કિલોમીટરમાં પથરાયેલા આ વિસ્તારમાં કુલ 9 મતદાન મથકો આવેલા છે અને 6,491 મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે સમગ્ર વિસ્તારની અંદાજિત વસ્તી 10 હજાર જેટલી હોવાનું જણાવાયું છે.

હાલમાં ઓજી વિસ્તારમાં પીવાના પાણી માટે પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાથી સ્થાનિક પરિવારોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વધતી વસ્તી અને પાણીની વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અહીં ઊંચી પાણીની ટાંકી અને સંપની સુવિધા ઊભી કરવામાં આવે તો સમગ્ર વિસ્તારના પરિવારોને નિયમિત અને સુવ્યવસ્થિત પાણી પુરવઠો મળી શકે તેમ છે.
આ અંગે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ પાણી પુરવઠા મંત્રી સમક્ષ ઓજી વિસ્તારમાં ઊંચી પાણીની ટાંકી અને સંપની ફાળવણી કરી તાત્કાલિક પાણી પુરવઠાની સુવિધા ઉભી કરવા માંગ કરી છે. હવે સરકાર દ્વારા આ રજૂઆતને કેટલું મહત્વ આપવામાં આવે છે અને પાણીની સમસ્યાના ઉકેલ માટે ક્યારે કામગીરી હાથ ધરાય છે તેના પર સ્થાનિકોની નજર છે.
