અવધ એક્સપ્રેસ | ઘોઘંબા
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં બેફામ વાહનચાલકોના કારણે માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ચેલાવાડા ગામના ઈસુબ ફળિયા પાસેથી પસાર થઈ રહેલા એક દંપતીની બાઇકને પૂરઝડપે આવી રહેલા અન્ય બાઇકચાલકે જોરદાર ટક્કર મારતાં પતિ-પત્ની રસ્તા પર ફંગોળાઈને પટકાયાં હતાં. અકસ્માતમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.
પ્રાપ્ત વિગતો અનુસાર, ચેલાવાડા ગામના ઈસુબ ફળિયાના છેલીયાભાઈ પોતાની પત્ની સાથે બાઇક પર જઈ રહ્યા હતા. દરમિયાન વિરાપુરા (નંદપુરા) તરફથી એક યુવાન બેફામ ઝડપે બાઇક ચલાવીને આવી રહ્યો હતો. સ્થાનિકો દ્વારા યુવાન નશાની હાલતમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન યુવાને દંપતીની બાઇકને જોરદાર ટક્કર મારતાં બંને પતિ-પત્ની બાઇક પરથી ઉછળીને રસ્તા પર પટકાયાં હતાં.

અકસ્મિક ટક્કરને પગલે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. દંપતીને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતાં આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત દંપતીને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.
આ ઘટનાને પગલે બેફામ ઝડપે વાહન ચલાવતા અને નશાની હાલતમાં વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઊઠી રહી છે. જાહેર માર્ગો પર અન્ય નિર્દોષ વાહનચાલકોના જીવ જોખમમાં મૂકાય તેવી બેદરકારી સામે પોલીસ તંત્ર દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં લાગણી પ્રવર્તી રહી છે.
