અવધ એક્સપ્રેસ | ઘોઘંબા
ઘોઘંબા તાલુકામાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓને અનુલક્ષીને જાહેર થયેલી અનામત બેઠકોની ફાળવણીને લઈને ઓબીસી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તાલુકાની કુલ 96 ગ્રામ પંચાયતો પૈકી ઓબીસી (સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ) સમાજ માટે માત્ર 6 બેઠકો અનામત રાખવામાં આવી હોવાના મુદ્દે સમાજના આગેવાનો અને ગ્રામજનો દ્વારા અન્યાય થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ખરખડી ગામના ગ્રામજનો સહિત ઓબીસી સમાજના પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનોએ ઘોઘંબા મામલતદાર તથા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગણી કરી હતી.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા. 27/10/2026ના રોજ ગ્રામ પંચાયતની બેઠકોની અનામત ફાળવણી અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ઘોઘંબા તાલુકાની 96 ગ્રામ પંચાયતો પૈકી ઓબીસી સમાજ માટે માત્ર 6 બેઠકો અનામત રાખવામાં આવી હોવાનો ઉલ્લેખ કરી સમાજની વસ્તીના પ્રમાણમાં બેઠકોની ફાળવણી ન થઈ હોવાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.
સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર, ઘોઘંબા તાલુકામાં ઓબીસી સમાજની વસ્તી આશરે 70 ટકા જેટલી હોવા છતાં અનામત બેઠકોની ફાળવણીમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી. વર્ષ 2023માં ઝવેરી પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણ મુજબ ઓબીસી સમાજને 27 ટકા અનામત આપવાની જોગવાઈનો ઉલ્લેખ કરી આવેદનપત્રમાં બેઠકોની ફાળવણીમાં આ બાબતને ધ્યાનમાં લેવા માગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં ખાસ કરીને ખરખડી ગામનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, ખરખડી ગામમાં ઓબીસી સમાજની બહુમતી હોવા છતાં છેલ્લા 25 વર્ષથી સરપંચ પદની અનામત આદિવાસી સમાજ માટે ફાળવવામાં આવતી હોવાનો આક્ષેપ છે. અનામત બેઠકોની ફાળવણીમાં નિયમ મુજબ રોટેશન થવું જોઈએ, પરંતુ લાંબા સમયથી એક જ સમાજ માટે અનામત ફાળવાતી હોવાના કારણે ઓબીસી સમાજને રાજકીય પ્રતિનિધિત્વની તક મળતી નથી તેવી લાગણી ગ્રામજનોમાં જોવા મળી રહી છે.
ઓબીસી સમાજના પ્રતિનિધિઓએ આવેદનપત્રમાં રજૂઆત કરી છે કે તાલુકાની ગ્રામ પંચાયતોમાં અનામત બેઠકોની ફાળવણી કરતી વખતે વસ્તીનું પ્રમાણ, સરકારના પ્રવર્તમાન નિયમો અને રોટેશનની પ્રક્રિયાને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવે. ઓબીસી સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે જાહેરનામાની પુનઃસમીક્ષા કરી અન્યાય દૂર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
છેલ્લા 25 વર્ષથી અનામત ફાળવણીના મુદ્દે અસંતોષ વ્યક્ત કરી રહેલા ખરખડીના ગ્રામજનો અને ઓબીસી સમાજના આગેવાનોની આ રજૂઆત બાદ હવે ચૂંટણી તંત્ર અને વહીવટી તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. સ્થાનિક સ્તરે ઉઠેલા આ સવાલો વચ્ચે અનામત બેઠકોની ફાળવણીમાં પારદર્શિતા અને ન્યાયી પ્રક્રિયાની માગ વધુ પ્રબળ બની રહી છે.
* 96 ગ્રામ પંચાયતોમાં ઓબીસી સમાજ માટે માત્ર 6 બેઠકો ફાળવાતાં મામલો ગરમાયો; ખરખડીના ગ્રામજનો સહિત સામાજિક આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
