અવધ એક્સપ્રેસ | ઘોઘંબા
આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને ઘોઘંબા તાલુકામાં સરપંચ અને સભ્ય પદની અનામત બેઠકની ફાળવણીનો મુદ્દો ધીમે ધીમે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. તાલુકામાં એક પછી એક ગામોમાં બેઠક ફાળવણી સામે નારાજગી અને વિરોધના સૂર ઊઠી રહ્યા છે. ગતરોજ ખરખડી ગામના ગ્રામજનોએ અનામત બેઠકની ફાળવણી મુદ્દે મામલતદાર સમક્ષ આવેદનપત્ર આપ્યું હતું, ત્યારે આજે માલુ ગ્રામ પંચાયતમાં સરપંચની બેઠકના અનામત રોટેશનને લઈને નવો વિવાદ સામે આવ્યો છે.
માલુ ગ્રામ પંચાયતમાં સરપંચની બેઠક વારંવાર અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત રાખવામાં આવતી હોવાનો આક્ષેપ કરી બક્ષીપંચ સમાજના બારિયા વિનોદભાઈ કલ્યાણસિંહે ઘોઘંબા મામલતદારને લેખિત રજૂઆત કરી છે. તેમણે બેઠકની અનામત ફાળવણીની તાત્કાલિક તપાસ કરી રોટેશનના નિયમો મુજબ યોગ્ય નિર્ણય લેવા અને તમામ સમાજને સરપંચ પદ માટે સમાન તક મળે તેવી માંગ કરી છે.

અરજદારે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે માલુ ગ્રામ પંચાયતમાં વર્ષ 1975થી અત્યાર સુધી અલગ-અલગ ચૂંટણી અને કાર્યકાળ દરમિયાન સરપંચની બેઠક વારંવાર ST વર્ગ માટે અનામત રાખવામાં આવી છે. ખાસ કરીને વર્ષ 2001થી 2025 સુધીના વિવિધ કાર્યકાળમાં પણ ST અનામત બેઠક ફાળવાઈ હોવાનો ઉલ્લેખ કરીને વર્તમાન અનામત રોટેશનની પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા છે.
રજૂઆતમાં વર્ષ 2011ની વસ્તી ગણતરીના આંકડા ટાંકીને ગામની કુલ વસ્તી 3,404 હોવાનું જણાવાયું છે. જેમાં ST સમાજની વસ્તી 1,190 અને SC સમાજની વસ્તી 88 દર્શાવવામાં આવી છે. જ્યારે બક્ષીપંચ સમાજની પણ નોંધપાત્ર વસ્તી હોવા છતાં સરપંચની બેઠક વારંવાર એક જ વર્ગ માટે અનામત રહેતી હોવાના કારણે અન્ય સમાજના લોકોને ચૂંટણી લડવાની તક અને સમાન પ્રતિનિધિત્વથી વંચિત રહેવાની લાગણી ઊભી થઈ હોવાનું અરજદારે રજૂઆતમાં જણાવ્યું છે.

વધુમાં ગુજરાત વિલેજ પંચાયત સરપંચ રોટેશન રૂલ્સ-1994ના નિયમ 4, 5 અને 6નો ઉલ્લેખ કરી અનામત બેઠકની ફાળવણીમાં નિર્ધારિત નિયમો અને રોટેશન પ્રક્રિયાનું યોગ્ય પાલન થવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. એક જ કેટેગરીને વારંવાર બેઠક ફાળવવામાં આવી હોય તો તેની નિયમોના આધારે સમીક્ષા થવી જોઈએ તેવી રજૂઆત પણ કરવામાં આવી છે.
અરજદારે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થાય તે પહેલાં જ માલુ ગ્રામ પંચાયતની સરપંચ બેઠકની અનામત ફાળવણીની તટસ્થ તપાસ કરવા, રોટેશનના નિયમો મુજબ પુનઃવિચારણા કરવા અને બક્ષીપંચ સહિત અન્ય સમાજને પણ યોગ્ય તક મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ અરજીની નકલ પંચમહાલ જિલ્લા કલેક્ટર તથા રાજ્ય ચૂંટણી આયોગના સંબંધિત અધિકારીને પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનામત વ્યવસ્થાનો હેતુ દરેક વર્ગને બંધારણીય જોગવાઈ મુજબ પ્રતિનિધિત્વની તક આપવાનો છે. જોકે અનામત બેઠકની ફાળવણી વખતે વસ્તીના આંકડા, લાગુ પડતા નિયમો અને રોટેશનની પ્રક્રિયા પારદર્શક રીતે અનુસરવામાં આવે તે પણ એટલું જ જરૂરી છે. કોઈ એક સમાજના હિતને પ્રાધાન્ય આપવાને બદલે કાયદાકીય જોગવાઈઓ મુજબ દરેક પાત્ર વર્ગને ન્યાયસંગત તક મળે તેવો અભિગમ અપનાવવાની માંગ હવે ગ્રામ્ય સ્તરે ઊઠી રહી છે.
ખરખડી બાદ માલુ ગામમાં પણ રજૂઆત થતાં ઘોઘંબા તાલુકામાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પૂર્વે અનામત બેઠક ફાળવણીનો મુદ્દો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. હવે તંત્ર અરજદારોની રજૂઆતના આધારે ભૂતકાળના રોટેશન રેકોર્ડ અને લાગુ નિયમોની તપાસ કરીને શું નિર્ણય લે છે તેના પર ગ્રામજનોની નજર મંડાઈ છે.
* ખરખડી બાદ માલુ ગ્રામ પંચાયતનો વિવાદ મામલતદાર કચેરીએ પહોંચ્યો; વારંવાર ST અનામત ફાળવાતી હોવાના આક્ષેપ સાથે બક્ષીપંચ સમાજની લેખિત રજૂઆત
* બહુમતી ધરાવતા સમાજને પણ સમાન તક મળે અને અનામત રોટેશનના નિયમોનું પારદર્શક રીતે પાલન થાય તેવી માંગ ઉઠી
