પંચમહાલ જિલ્લાના બહુચર્ચિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ હેઠળ સાધન- સામગ્રીની ખરીદીમાં આચરવામાં આવેલા પોણા ત્રણ કરોડ રૂપિયાની ઉચાપત મામલે પોલીસ કાર્યવાહીથી બચવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ ફરીથી એક મહિનાની રજા પર ઉતરી ગયા છે. ૨૦ દિવસની રજા પૂર્ણ થયા બાદ ગાયત્રીબેન પટેલે ફરીથી ૨ ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબર સુધીની એક મહિનાની રજા મેળવી લીધી છે. પોણા ત્રણ કરોડની ઉચાપત મામલે તપાસમાં નામ ખુલતા જ પોલીસ તપાસ અને ધરપકડથી બચવા માટે તેમણે અગાઉ ૧૦ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી ઓનલાઈન કર્મયોગી પોર્ટલ મારફતે ૨૦ દિવસની રજા મૂકી હતી.
૧ ઓક્ટોબરે રજા પૂર્ણ થયા બાદ તેમણે પુનઃ કર્મયોગી પોર્ટલ પરથી જ ૨ ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબર સુધીની રજા મંજૂર કરાવી લીધી છે. કરોડો રૂપિયાની ઉચાપતના ગંભીર આક્ષેપો વચ્ચે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની આ પ્રકારે સતત રજાઓ મંજૂર થવાને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ છે.
આ ચકચારી કૌભાંડમાં નામ સામે આવતા જ ગાયત્રીબેન પટેલ હાલ પોલીસ પકડથી દૂર છે. તેમને અને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓને વહેલામાં વહેલી તકે ઝડપી પાડવા માટે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત સાધન- સામગ્રી ખરીદીના બોગસ બિલ પ્રકરણના મુખ્ય સૂત્રધાર તત્કાલીન હિસાબી અધિકારી પૂજનકુમાર રમેશચંદ્ર જોશી અને મદદનીશ કો-ઓર્ડિનેટર નીતિશ જયંતિલાલ પટેલ સહિત ત્રણ આરોપીઓ હાલ જેલની હવા ખાઈ રહ્યા છે.
જ્યારે આ ઉચાપત પ્રકરણમાં સંડોવાયેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ સહિત અન્ય ચાર એજન્સી સંચાલકોને સકંજામાં લેવા માટે પોલીસ દ્વારા સઘન કવાયત હાથ ધરવામાં આવી છે.
