દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના માતવા ગામે લોન મેળવવા માટે કથિત બનાવટી સરકારી પ્રમાણપત્રનો ઉપયોગ કરીને છેતરપિંડી આચરવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં ધરપકડ કરાયેલા અને હાલ જામનગર ખાતે ફરજ બજાવતા પોલીસકર્મી મોહન બારિયાનું દાહોદ સબજેલમાં મોત નીપજતાં ચકચાર મચી ગઈ છે. જેલમાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તેમની તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસ ફરિયાદ મુજબ, ગરબાડાના માતવા ગામના મહેશકુમાર ચુનિયાભાઈ મીનામા સહિતના આરોપીઓ દ્વારા લોન મેળવવા માટે કથિત રીતે બનાવટી સરકારી પ્રમાણપત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રમાણપત્રમાં સ્કોર્પિયો ગાડી CID ગોધરા ખાતે રૂ.45 હજારના માસિક ભાડે મૂકવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.જોકે, તપાસ દરમિયાન આ જ ગાડી વર્ષ 2018થી લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં જમા હોવાનું સામે આવ્યું હોવાનો પોલીસનો દાવો છે. વધુમાં, પ્રમાણપત્ર પર CID ગોધરા, કલેક્ટર કચેરી કમ્પાઉન્ડનું સરનામું દર્શાવાયું હતું, પરંતુ તેના પર સરકારી કચેરીનો સિક્કો અને જાવક નંબર ન હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું.
ASI મોહન બારિયાની સંડોવણી સામે આવતાં ધરપકડ
આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 316(2), 338, 336(3) અને 340(2) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. તપાસ દરમિયાન જામનગર ખાતે ફરજ બજાવતા પોલીસકર્મી મોહન બારિયાની સંડોવણી સામે આવતાં તેમની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.પોલીસકર્મી મોહન બારિયાની ગત 15 સપ્ટેમ્બર, 2026ના રોજ ધરપકડ કરી દાહોદ સબજેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે નિયમિત જામીન મેળવવા માટે નીચલી કોર્ટમાં અરજી કરી હતી, જોકે કોર્ટે તેમની જામીન અરજી નામંજૂર કરી હતી.
જેલમાં છાતીમાં દુખાવો ઉપડતાં તબિયત લથડી
આજે દાહોદ સબજેલની બેરેકમાં મોહન બારિયાને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેમની તબિયત બગડી હતી. આ અંગે જેલ સત્તાધીશોને જાણ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરવામાં આવી હતી. જોકે, આ દરમિયાન તેમની સ્થિતિ વધુ ગંભીર બની હતી. હોસ્પિટલ પહોંચ્યા બાદ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.ઘટનાની જાણ જેલ અધિક્ષક દ્વારા દાહોદ ગ્રામ્ય પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે દાહોદ ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોત અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે મોહન બારિયાના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવતાં તેઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સ્વજનના અચાનક મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી. પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ પરિસરમાં ગમગીની છવાઈ ગઈ હતી.
2018માં પણ ખાતાકીય તપાસ શરૂ થઈ હતી
નોંધનીય છે કે મોહન બારિયા અગાઉ દાહોદ ખાતે ASI તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 2018માં તેમની સામેની કેટલીક ગતિવિધિઓને પગલે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમની બદલી જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હાલ તેઓ જામનગર ખાતે ફરજ બજાવતા હતા.લોન મેળવવા માટે કથિત છેતરપિંડીના આ કેસમાં તેમની સંડોવણી સામે આવતાં ધરપકડ કરવામાં આવી હતી. હવે જેલમાં તેમના મૃત્યુ બાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ અને સંબંધિત તપાસ બાદ સ્પષ્ટ થશે.
