સાવલી-પોઇચા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, મોપેડ સવાર મહિલાનું મોત

વડોદરા/સાવલી: સાવલી-પોઇચા ચોકડી પાસે ટ્રક અને મોપેડ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોપેડ સવાર મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પતિને ઇજાઓ પહોંચતા સારવાર માટે સાવલી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક માહિતી મુજબ આણંદથી જાંબુઘોડા તરફ જતું દંપતી મોપેડ પર સવાર હતું. આ દરમિયાન ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોપેડ સવાર વજીબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેમના પતિ વિજયભાઈ લલ્લુભાઈ રાઠવાને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સાવલી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં અને થોડા સમય માટે ચક્કાજામના દૃશ્યો સર્જાયા હતા. ઘટનાને પગલે સાવલી પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.

પ્રાથમિક માહિતી મુજબ રોંગ સાઇડ તરફથી આવતા ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર મામલે સાવલી પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

