સાવલીમાં કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન
સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો અને હોદ્દેદારોએ સાવલી નગરના પ્રવેશદ્વાર પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમા નજીક એકત્રિત થઈ, ચૂંટણી પંચના જ્ઞાનેશ કુમાર દ્વારા આચરેલી ગેરરીતિઓના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વડોદરા જિલ્લાના સાવલી નગરના પ્રવેશદ્વાર પાસે સ્થિત સરદાર પટેલની પ્રતિમાને સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ શહેર પ્રમુખ સહિતના હોદ્દેદારો અને કાર્યકરોએ પુષ્પહાર અર્પણ કર્યા હતા. ત્યારબાદ હાથમાં બેનરો લઈને ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન સાવલી પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે આશરે ૧૦ જેટલા કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગઈ હતી. સાવલી પ્રાંત અધિકારીને ઉદ્દેશીને આપવામાં આવેલી અરજીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા લોકશાહીનું હનન તેમજ મતદાર યાદીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ સાથે આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

