અવધ એક્સપ્રેસ l કાલોલ
કાલોલમાં ગુરુવારે મુસ્લિમ કોમના સૂફીવાદની રાહે અગિયારમી શરીફ નિમિત્તે જશ્ને જુલુસ, સમૂહ નિકાહ અને નિયાઝના આયોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અગિયારમી શરીફ એ મુસ્લિમ સમાજના પીરોના પીર બગદાદવાળા શેખ સૈયદ અબ્દુલ કાદિર જીલાનીની યાદમાં ઉજવાય છે. જેઓ મુસ્લિમ સમાજના સૂફીવાદના સ્થાપકની રાહે તેમના જ્ઞાન, પરોપકાર અને આધ્યાત્મિક ઉપદેશોના સન્માનમાં ‘ગૌસ-એ-આઝમ’ (મહાન આધ્યાત્મિક મદદગાર) તરીકે આદરપૂર્વક યાદ કરીને તેમની ખાસ ઈબાદતના અવસર પર ઉજવવામાં આવે છે. જે અંતર્ગત કાલોલના મુસ્લિમ સમાજના અજીમુલ કાદરી ગૃપ દ્વારા આયોજીત સમુહ નિકાહનું પણ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે અગિયારમી શરીફ નિમિત્તે નુરાની ચોકથી ભવ્ય જુલુસનું આયોજન કરી મામલતદાર કચેરી, બસ સ્ટેશન અને પાલિકાભવનના માર્ગે નૂરાની ચોકમાં પરત ફર્યા હતા. ઈદે ગૌષીયાના પવિત્ર અવસર નિમિત્તે અજીમુલ કાદરી અને અજીમીગૃપ દ્વારા સમુહ નિકાહનું આયોજન કરતા જુમ્મા મસ્જિદના મૌલાના વસીમ સહાબની દુઆ સલામ સાથે ૧૫ દુલ્હા દુલ્હનો સમૂહ નિકાહના બંધનમાં જોડાયા હતા. આ પ્રસંગે મુસ્લિમ સમાજના હિતમાં કામ કરતી અઝીમી ફ્રેન્ડ સર્કલ કમિટી સાથે અકરમ દિવાન મકબુલ હાજી સહિતના સખી દાતાઓ દ્વારા નવદંપતીઓને તિજોરી, પલંગ, કિચન સેટ, બાથરૂમ સેટ, ઘડિયાળ, પાયલ, સોનાની વીંટી અને ચાંદીની રકમ સહિત ઘર વપરાશની નાની મોટી ૫૦થી વધુ ચીજવસ્તુઓ દુલ્હનોને આપવામાં આવી હતી. લઘુમતી કોમના આ ઉત્તમ સેવા કાર્ય બદલ દરેક સમાજજનોએ શુભેચ્છાઓ પાઠવી હતી. કાલોલમાં ગ્યારવી શરીફના ઉત્સાહના માહોલમાં પાલિકા પ્રમુખ હસમુખભાઇ મકવાણા, ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, તુષારભાઈ શાહ અને યુવરાજસિંહ સહિતના કોર્પોરેટરોએ હાજરી આપીને લઘુમતી કોમનો ઉત્સાહ વધાર્યો હતો.
