સાવલી તાલુકાના વિટોજ ગામની ગ્રામ પંચાયતનો વહીવટ ચર્ચાના ચકડોળે ચઢ્યો છે. પંચાયતના વોર્ડ નં. 4ના ચૂંટાયેલા સભ્યને પંચાયતની કામગીરીમાં યોગ્ય રીતે સામેલ કરવામાં આવતા ન હોવા તેમજ ગામમાં ચાલી રહેલા વિકાસ કામો અંગે જરૂરી માહિતી આપવામાં ન આવતી હોવાના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં મહિલા સરપંચના દિયર દ્વારા પંચાયતનો વહીવટ કરવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ચૂંટાયેલા મહિલા સરપંચની જગ્યાએ અન્ય વ્યક્તિ દ્વારા વહીવટી કામગીરી કરવામાં આવે છે કે કેમ તે અંગે નિયમો મુજબ તપાસ કરી હકીકત બહાર લાવવાની માંગ કરવામાં આવી છે.

વોર્ડ સભ્યના જણાવ્યા મુજબ પંચાયતની કામગીરીમાં ચૂંટાયેલા સભ્ય તરીકે પોતાની જવાબદારી નિભાવવાની તક મળતી નથી. પંચાયતની બેઠકોમાં નિયમ મુજબ બોલાવવામાં આવે, બેઠકમાં થતી ચર્ચા તથા નિર્ણયો અંગે માહિતી આપવામાં આવે અને ગામના વિકાસ કામોની વિગતો પણ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી રજૂઆતમાં માંગ કરાઈ છે.
ચૂંટાયેલા પ્રતિનિધિને જ પંચાયતના વહીવટથી દૂર રાખવામાં આવતો હોવાના આક્ષેપે વિટોજના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. હવે સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે કે કેમ અને પંચાયતનો વહીવટ નિયમ મુજબ થાય છે કે નહીં તે અંગે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે.
