શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, વડોદરાની કચેરી દ્વારા જિલ્લામાં નોંધાયેલા તમામ લાયસન્સધારક શાહુકારોને કાયદાકીય જોગવાઈઓના ચુસ્ત પાલન માટે તાકીદ કરવામાં આવે છે. વડોદરા જિલ્લામાં હાલમાં વડોદરા શહેર તથા વડોદરા ગ્રામ્ય હેઠળ ૯૬૪, પાદરા તાલુકામાં ૧૩૨, ડભોઈમાં ૩૦, ડેસરમાં ૨૫, સાવલીમાં ૨૪, કરજણમાં ૧૯, વાઘોડિયામાં ૧૩ અને શિનોરમાં ૧૨ મળીને કુલ ૧,૨૧૯ શાહુકારો નોંધાયેલા છે. આ તમામ લાયસન્સધારક શાહુકારોએ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ-૨૦૧૧ અને નિયમો-૨૦૧૩ ની જોગવાઈઓ મુજબ વાર્ષિક ઓડિટ તથા પત્રકોની ઓનલાઈન કામગીરી કરવી ફરજિયાત છે.
આ કાયદાકીય જોગવાઈઓને અનુલક્ષીને, ૫૦ લાખથી ઓછું ધિરાણ ધરાવતા શાહુકારોએ તેમના ધીરધારના ધંધાના છેલ્લા ૦૫ વર્ષના હિસાબી પત્રકો અને કુલ ટર્નઓવરની વિગતો આગામી ૧૫ દિવસમાં અત્રેની કચેરી ખાતે અચૂક રજૂ કરવાની રહેશે. જે શાહુકારોના ધંધાનું ટર્નઓવર શૂન્ય હોય, તેઓએ પણ ઉપરોક્ત સમયમર્યાદામાં ‘નીલ’ પત્રકો રજૂ કરવાના રહેશે.
તદુપરાંત, નિયમાનુસાર દર માસની ૧ થી ૫ તારીખ સુધીમાં તમામ લેવડદેવડના પત્રકો અને દેણદારને આપવાના વાર્ષિક હિસાબ (પત્રક-૧૫) ફરજિયાત ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જે શાહુકારોએ ઓનલાઈન પત્રકો અપલોડ કર્યા નથી અને અધિનિયમનો ભંગ કર્યો છે, તેઓએ આગામી તા. ૨૦ સપ્ટેમ્બર સુધીમાં કચેરી સમક્ષ કારણદર્શક ખુલાસો રજૂ કરવાનો રહેશે.
જો નિયત સમયમર્યાદામાં હિસાબી પત્રકો રજૂ કરવામાં અથવા નોટિસનો સંતોષકારક ખુલાસો આપવામાં કોઈ પણ શાહુકાર દ્વારા કસૂર થશે, તો તેને ગંભીરતાથી લેવામાં આવશે. આવા કસૂરવાર શાહુકારો સામે ગુજરાત નાણાં ધીરધાર કરનારા અધિનિયમની કલમ ૧૫(૧) હેઠળ શાહુકારનો પરવાનો રદ કરવાની કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની તમામ સંબંધિત શાહુકારોએ નોંધ લેવી.
શાહુકારોને તાકીદ : વડોદરા જિલ્લા રજિસ્ટ્રારની આખરી નોટિસ
ઓડિટ રિપોર્ટ અને ઓનલાઈન પત્રકો રજૂ કરવા શાહુકારોને અલ્ટીમેટમ

