પવિત્ર શ્રાવણ માસને લઈને સાવલીમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. સાવલી બ્રહ્મસમાજ અને પર્યાવરણપ્રેમીઓ દ્વારા પોઇચા ગામથી સાવલી નગર સુધી ભવ્ય કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
માં મહીસાગરના કિનારે આવેલા પોઇચા ગામના દુર્ગામાતા મંદિરેથી પૂજા-અર્ચના બાદ કાવડયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહીસાગરના પવિત્ર જળથી સાવલી નગરના વિવિધ શિવાલયોમાં જળાભિષેક કરવાના સંકલ્પ સાથે ભક્તોએ કળશમાં પવિત્ર જળ ભરી કાવડ ધારણ કરી હતી.
ભજનમંડળી સાથે નીકળેલી કાવડયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. યાત્રા દરમિયાન સમગ્ર માર્ગ ‘બમ બમ ભોલે’ના નાદથી ગુંજી ઉઠ્યો હતો અને વાતાવરણ શિવમય બની ગયું હતું.

પોઇચાથી સાવલી પહોંચેલી કાવડયાત્રાનું સ્થાનિક ધારાસભ્યના જૂના નિવાસસ્થાને સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્યના ભાઈ સંદીપ ઇનામદાર તથા તેમના પત્ની અને સાવલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હર્ષ પટેલ દ્વારા કાવડયાત્રિકોનું સ્વાગત કરી પૂજા-આરતી કરવામાં આવી હતી.
ત્યારબાદ કાવડયાત્રા સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે પહોંચી હતી, જ્યાં ભગવાન શિવજીને મહીસાગરના પવિત્ર જળથી જળાભિષેક કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ કાવડયાત્રિકો દ્વારા સાવલીના કેદારેશ્વર મંદિર, ગોકુલેશ્વર મંદિર, રાધેશ્વર મંદિર, પાતાળેશ્વર મંદિર અને દુર્ગેશ્વર મંદિર સહિતના શિવાલયોમાં જળાભિષેક કરવામાં આવ્યો હતો.

અંતે કાવડયાત્રા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં ભગવાન શિવજીને પવિત્ર જળ અર્પણ કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મહાપ્રસાદી બાદ કાવડયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
શ્રાવણ માસ નિમિત્તે યોજાયેલી આ કાવડયાત્રાથી સાવલી નગરમાં ધાર્મિક આસ્થા અને ભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો.
