વડના વૃક્ષનું બોનસાઈ, ‘ગૌ-ગણેશજી‘ની મૂર્તિ અને મધુબની પેઇન્ટિંગ: પર્યાવરણ, સ્વચ્છતા, અને સાંસ્કૃતિક વિરાસતનો અદ્ભુત સમન્વય
(વડોદરા, તા.૦૮)
વડોદરાના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મુલાકાત વેળાએ વડોદરાના નાગરિકો, સફાઈદૂતો અને વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને અનોખી અને યાદગાર ભેટો અર્પણ કરવામાં આવી હતી. આ ભેટોમાં શહેરની સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતા, પર્યાવરણ રક્ષણ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઝાંખી જોવા મળી હતી.
‘મેરા શહેર, મેરી ઝિમ્મેદારી’ના સંકલ્પ સાથે શહેરની સફાઈમાં સતત કાર્યરત ૭ હજાર સફાઈદૂતો અને ‘ક્લીન અપ વડોદરા’ના વોલન્ટીઅર્સ તરફથી વડોદરાના પ્રતીક સમાન વડના વૃક્ષનું બોનસાઈ વડાપ્રધાનને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યું હતું.

આ સાથે વારસાથી ઓળખ અને વારસાથી વિકાસનો સંકલ્પ લઈને આવેલા ચાર પ્રતિનિધિઓ તેમજ ભારતની ઐતિહાસિક વાવ અને જળ સંરક્ષણ માટે કાર્યરત ‘રામદૂત રિસ્ટોર’ના ચાર પ્રતિનિધિઓ દ્વારા પ્રધાનમંત્રીજીને ગાયના છાણમાંથી બનેલી ‘ગૌ-ગણેશજી’ની વિશેષ મૂર્તિ અર્પણ કરવામાં આવી હતી. જે ગૌવંશ સંવર્ધન અને ઇકો-ફ્રેન્ડલી સંસ્કૃતિનો સંદેશ આપે છે.
આ ઉપરાંત વડોદરાની આંગણવાડી અને આશા વર્કર બહેનો દ્વારા વડોદરાની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતના પ્રતીકરૂપ વડના ઝાડની થીમ પર તૈયાર કરાયેલું એક સુંદર મધુબની પેઇન્ટિંગ વડાપ્રધાનને ભેટ આપવામાં આવ્યું હતું. આ તમામ ભેટોને સ્થાનિક સંસ્કૃતિ, પરંપરા અને જનસેવાના સન્માનરૂપ વડાપ્રધાનએ સહર્ષ સ્વીકારી હતી.
