વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પ્રભાવશાળી ‘ઓરા’ સમગ્ર કાર્યક્રમ દરમિયાન છવાયેલો રહ્યો હતો. પરંપરાગત કાર્યક્રમોની સરખામણીએ યુવાઓ સાથે સીધો અને જીવંત સંવાદ સ્થાપિત થાય તેવો માહોલ સર્જાયો હતો. મંડપની વચ્ચે તૈયાર કરવામાં આવેલા વિશેષ રેમ્પ પરથી વડાપ્રધાને યુવાઓ વચ્ચે ચાલીને તેમની સાથે આત્મીયતા વ્યક્ત કરી હતી.
વડાપ્રધાનના રેમ્પ પર આગમન સાથે જ યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. યંગ્ઝએ હર્ષનાદ અને ઉલ્લાસભેર વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. આ લાગણી અને ઊર્જાનો વડાપ્રધાને પણ સહજતાથી સ્વીકાર કરી, સમગ્ર વાતાવરણને વધુ જીવંત બનાવ્યું હતું. તેમના આગમનને ટ્રેડિંગ સોંગ્ઝ અને ટ્યુન સાથે વધાવવામાં આવતા યુવાઓ ઝૂમી ઉઠ્યા હતા.
યંગ જનરેશન સાથેના સંવાદ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજના યુવા વર્ગમાં લોકપ્રિય બનેલી ‘મિમ કલ્ચર’ની ભાષાશૈલીનો પણ અસરકારક ઉપયોગ કર્યો હતો. ગંભીર અને મહત્વપૂર્ણ મુદ્દાઓને સરળ, રમૂજી તથા યુવાનોને સ્પર્શે તેવી શૈલીમાં રજૂ કરતાં તેમણે યુવાનોને હસાવ્યા પણ હતા અને પોતાની વાત પણ સચોટ રીતે પહોંચાડી હતી. કેટલાક યુવાનોએ કલા પ્રદર્શિત કરતા વડાપ્રધાને ચાલુ ભાષણ દરમિયાન જ એ કૃતિઓનો સ્વીકાર કરી પોતાની પાસે મંગાવી હતી.
સમગ્ર કાર્યક્રમની રજૂઆતમાં પણ નવીનતા જોવા મળી હતી. કાર્યક્રમનું પ્રસારણ જાણે કોઈ સ્પોર્ટ્સ ઇવેન્ટનું જીવંત પ્રસારણ થઈ રહ્યું હોય તેવી ઊર્જાસભર શૈલીમાં કરવામાં આવ્યું હતું. મંચ પર ચાલી રહેલી પ્રવૃત્તિઓની સાથે યુવાનોની પ્રતિક્રિયાઓ અને લાગણીઓને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું, જેના કારણે કાર્યક્રમ વધુ રસપ્રદ અને કનેક્ટિંગ બન્યો હતો.
વડાપ્રધાનના સંબોધન દરમિયાન વિશાળ સ્ક્રીન પર યુવાનોની લાગણીઓ અને પ્રતિભાવો પણ સતત પ્રદર્શિત થતા રહ્યા હતા. અનેક યુવાનો ચારથી પાંચ મોબાઇલ ફોનને એકસાથે જોડીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેના પોતાના વિચારો અને લાગણીઓ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. ટેક્નોલોજી સાથે યુવા અભિવ્યક્તિના આ સમન્વયે કાર્યક્રમને ડિજિટલ યુગની નવીન જીવંત સંવાદશૈલી સાથે જોડ્યો હતો.
જેમાં એક તરફ વડાપ્રધાનનું પ્રેરણાદાયી અને માર્ગદર્શક સંબોધન હતું, તો બીજી તરફ યુવાનોની ભાષા, ટેક્નોલોજી, ડિજિટલ કન્ટેન્ટ અને જીવંત પ્રસ્તુતિ દ્વારા કાર્યક્રમને તેમની સાથે વધુ સુસંગત બનાવવામાં આવ્યો હતો. પરિણામે કાર્યક્રમ માત્ર સંબોધન પૂરતો સીમિત ન રહેતા યુવાનોની સક્રિય ભાગીદારીનો ઉત્સવ બની રહ્યો હતો.
વડોદરાના આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુવાનો સાથે સીધી રીતે જોડાઈને સંવાદની નવીન શૈલીનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રેમ્પ પર યુવાનો વચ્ચે પહોંચવું, મિમ કલ્ચરનો સહજ ઉપયોગ કરવો, ડિજિટલ માધ્યમથી યુવાનોની લાગણીઓને સ્થાન આપવું અને સ્પોર્ટ્સ ઇવેન્ટ જેવી જીવંત રજૂઆત, આ તમામ પાસાંએ કાર્યક્રમને યુવા પેઢી માટે ખાસ યાદગાર બનાવ્યો હતો.
