“વડોદરાને હવે ગંદુ થવા જ નથી દેવું તેવો સંકલ્પ લઈએ”: પ્રધાનમંત્રીનો નાગરિકોને હૃદયસ્પર્શી સાદ
(વડોદરા, તા.૦૮)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઉદબોધનમાં વડોદરાવાસીઓના સ્વચ્છતા પ્રત્યેના પુરુષાર્થની મુક્તકંઠે પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “મેં ગઈકાલે વડોદરાનો એક સ્વચ્છતા અને જનસેવાનો સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર જોયો, જેને જોઈને મારું હદય ગર્વથી ભરાઈ ગયું. ગણેશોત્સવ અને નવરાત્રીના પાવન પર્વ પહેલા વડોદરાના પ્રત્યેક નાગરિકે જે ભક્તિભાવથી સફાઈ ઝુંબેશ ઉપાડી છે તેનાથી વિઘ્નહર્તા ગણેશજીના તમામ આશીર્વાદ વડોદરા પર વરસવાના છે.”
ઉદબોધનના સમાપન સમયે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અત્યંત લાગણીશીલ હૃદયે વડોદરાની માટી સાથેના પોતાના અતૂટ જોડાણને વાગોળ્યું હતું. તેમણે ઉપસ્થિત વિશાળ જનમેદનીને સીધો પ્રશ્ન પૂછતાં ગુજરાતીમાં ભાવુક અને હૃદયસ્પર્શી અપીલ કરી હતી કે, “મારું એક કામ કરશો? વડોદરાને આટલું સ્વચ્છ બનાવી દીધું, પણ હવે વડોદરાને ગંદુ થવા જ નથી દેવું… આપણે પોતે ક્યારેય ગંદકી નહીં કરીએ એવો સંકલ્પ લઈએ, જેથી આપણી દિવાળી ચકાચક જાય.” પ્રધાનમંત્રીના આ લાગણીસભર સાદને વડોદરાના હજારો યુવાનો અને નાગરિકોએ તાળીઓના ગડગડાટ સાથે ઝીલીને વડોદરાને કાયમ માટે સ્વચ્છ રાખવાનું પવિત્ર વચન આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીના વડોદરા આગમન પૂર્વે વહીવટી તંત્ર અને જનસાધારણના સંયુક્ત ઉપક્રમે સમગ્ર વડોદરામાં એક અનોખું સાપ્તાહિક સેવા અને સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જન-ભાગીદારીથી ચાલેલા આ એક સપ્તાહના સઘન સફાઈ અભિયાન અંતર્ગત શહેરમાંથી ૭૭૦૦ મેટ્રિક ટનથી વધારે કચરાનો નિકાલ કરી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી.
