સાવલી નગરપાલિકાની ગટર સાફ કરવાની ગાડી ગટર સાફ કરવા માટે પહોંચી હતી, પરંતુ અહીં તો ગટર સાફ કરવાની ગાડી જ ખુલ્લા ગટરના ઢાંકણામાં ફસાઈ ગઈ!
સાવલી શહેરમાં ખુલ્લા ગટરના ઢાંકણાને લઈને સ્થાનિકો દ્વારા નગરપાલિકા સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોની રજૂઆતો બાદ નગરપાલિકા જાણે મોડી મોડી જાગી હોય તેમ ગટર સફાઈ માટે ગાડી મોકલવામાં આવી હતી. પરંતુ સફાઈ કરવા પહોંચેલી આ જ ગાડી ખુલ્લા ગટરના ઢાંકણામાં ફસાઈ જતાં નગરપાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ છે.
એક તરફ શહેરમાં ખુલ્લા ગટરના ઢાંકણાથી અકસ્માતનો ભય ઉભો છે, તો બીજી તરફ જવાબદાર તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સવાલ એ છે કે જો નગરપાલિકાની ગટર સાફ કરવાની ગાડી જ ખુલ્લા ગટરના ઢાંકણામાં ફસાઈ જાય, તો સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું? વારંવાર રજૂઆતો છતાં ખુલ્લા ઢાંકણા બંધ કરવામાં કેમ આવ્યા નહીં? શું કોઈ મોટી દુર્ઘટના બને ત્યાર બાદ જ નગરપાલિકા તંત્રની આંખ ખુલશે?
હવે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે શહેરમાં જ્યાં જ્યાં ગટરના ઢાંકણા ખુલ્લા છે, ત્યાં તાત્કાલિક ધોરણે સમારકામ કરી ઢાંકણા મૂકવામાં આવે. સાવલી નગરપાલિકાની બેદરકારીનો આ કિસ્સો હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
