ડેસર: ડેસર પોલીસ મથકમાં સોની વેપારી સામે છેતરપિંડી અંગે છેલ્લા બે માસ દરમિયાન ચાર ફરિયાદો નોંધાતા ચકચાર મચી છે. ફરિયાદ મુજબ વેપારીએ અલગ-અલગ કામના બહાને ગ્રાહકો પાસેથી રોકડ રકમ તેમજ સોનાના દાગીના લીધા હતા. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાયા બાદ હવે છેતરાયેલા ગ્રાહકોને તેમની રોકડ રકમ અને સોનાના દાગીના પરત મળવાની શરૂઆત થઈ છે.
મળતી માહિતી મુજબ, પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદોમાં ગ્રાહકો પાસેથી કુલ રૂ. 6.58 લાખ રોકડ અને આશરે 10 તોલા સોનું લેવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સોના સહિત કુલ રૂ. 13.31 લાખની છેતરપિંડી અંગે ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સંબંધિત વેપારી સામે અગાઉથી પણ વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે ફરિયાદો નોંધાઈ ચૂકી છે. નવા બનાવમાં પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરાયા બાદ વેપારી તરફથી ગ્રાહકોની રકમ તેમજ ઘરેણાં પરત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
અત્યાર સુધીમાં પાંચથી વધુ ગ્રાહકોને તેમની રોકડ રકમ અને સોનાના દાગીના પરત કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. લાંબા સમયથી પોતાની રકમ અને દાગીના પરત મેળવવા માટે રાહ જોઈ રહેલા ગ્રાહકોને પરત મળતા રાહતની લાગણી પ્રસરી છે.
પોતાની મહેનતની કમાણી અને ઘરેણાં પરત મળતાં ગ્રાહકોએ ડેસર પોલીસની કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અન્ય કોઈ ગ્રાહકો સાથે પણ આ પ્રકારની છેતરપિંડી થઈ છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
