નેપાળમાં આવેલા ભયાનક ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનથી ભારે તારાજી સર્જાઈ છે. આ કુદરતી આફતમાં 600થી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 2,400થી વધુ લોકો હજુ પણ લાપતા છે. સુરક્ષા દળોના 11 હજારથી વધુ જવાનો રાહત અને બચાવ કામગીરીમાં દિવસ-રાત ખડેપગે છે. આ ભયાનક આપદા વચ્ચે કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા મુંબઈના 61 શ્રદ્ધાળુઓનું એક જૂથ પણ સરહદી વિસ્તારમાંથી લાપતા થયું છે, જેના કારણે તેમના પરિવારજનોમાં ચિંતા અને ભયનો માહોલ છે.
હોસ્પિટલની બહારની દિવાલો પર ચોંટાડવામાં આવેલા સ્વજનોના ફોટા, કાટમાળ અને કાદવમાં પોતાનો સામાન શોધતા રડતા પરિવારો, તૂટી ગયેલી ઇમારતો વચ્ચે બાળકને ખોળામાં લઈને ઉભેલી લાચાર માતા અને ચારેય તરફ વિખેરાયેલો સામાન… નેપાળમાં આવેલી અચાનક પૂરે તારાજીનું એવું ભયાનક દૃશ્ય સર્જ્યું છે કે જેને જોઈને કોઈનું પણ હૃદય કંપી ઊઠે.
બુધવારે આવેલા પાણી, કાદવ અને કાટમાળના ધસમસતા પ્રવાહે વસાહતો, વાહનો, રસ્તાઓ, પુલો અને હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સને ક્ષણભરમાં તબાહ કરી નાખ્યા હતા.
શનિવાર સુધીમાં આ કુદરતી આપદામાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 600ને વટાવી ગઈ છે, જ્યારે 2,400થી વધુ લોકો હજુ પણ લાપતા છે. અત્યાર સુધીમાં 163 વિદેશી નાગરિકો સહિત આશરે 2,500 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
નેપાળની સેનાના 5 હજારથી વધુ જવાનો સહિત 11 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ રાહત અને બચાવ કામગીરીમાં દિવસ-રાત જોડાયેલા છે. અપર ત્રિશૂલી-3A જળવિદ્યુત પરિયોજનાની સુરંગમાં ફસાયેલા 350 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે કાદવ અને કાટમાળમાં દટાયેલા અન્ય લોકોની શોધખોળ હજુ પણ ચાલુ છે.
નેપાળ અને તિબેટ સરહદ નજીક સર્જાયેલી આ વિનાશક પરિસ્થિતિ બાદ મુંબઈના 61 શ્રદ્ધાળુઓનું એક જૂથ પણ લાપતા થયું છે. જેના કારણે તેમના પરિવારજનોની ચિંતા વધી ગઈ છે.
પ્રખ્યાત ટ્રેકર ડૉ. મિલિંદ ચિતલેના નેતૃત્વમાં આ જૂથ 23 ઓગસ્ટે કૈલાસ માનસરોવર યાત્રા માટે રવાના થયું હતું. 25 ઓગસ્ટની સાંજે તેઓ તિમુરે પહોંચ્યા બાદ પરિવારજનો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જૂથના કેટલાક સભ્યોનું છેલ્લું ડિજિટલ લોકેશન 26 ઓગસ્ટની સવારે બોર્ડર ચેકપોસ્ટ નજીક મળ્યું હતું. ત્યારબાદથી તેમના વિશે કોઈ માહિતી મળી નથી.
આપત્તિગ્રસ્ત વિસ્તારો અને હોસ્પિટલોની બહાર લોકો ઘાયલો અને મૃતકોની યાદીમાં પોતાના સ્વજનોના નામ અને તસવીરો શોધી રહ્યા છે.
ત્રિશૂલીમાં સેનાનો રાહત કેમ્પ અસરગ્રસ્તો માટે સૌથી મોટો સહારો બની રહ્યો છે. અહીં વૃદ્ધો, બાળકો અને ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે.
દરમિયાન હવામાન વિભાગે ફરી એક વખત મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેના કારણે આગામી દિવસોમાં બચાવ ટીમોની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે.
બીજી તરફ બચાવ કામગીરી સતત ચાલુ છે. સેનાના હેલિકોપ્ટરો દુર્ગમ અને દૂરના વિસ્તારો સુધી પહોંચી રહ્યા છે અને ત્યાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે લાવવામાં આવી રહ્યા છે.
રેસ્ક્યૂ કરાયેલા લોકોને નુવાકોટના મૈતિલી આર્મી કેમ્પમાં લાવવામાં આવ્યા છે. અહીં સેનાના જવાનોએ તેમના રહેવા માટે ટેન્ટની વ્યવસ્થા કરી છે અને જરૂરી સહાય પણ પૂરી પાડવામાં આવી રહી છે.
રસુવા જિલ્લાની એક મહિલાએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે તેનું ઘર અને ઘરનો તમામ સામાન પૂરમાં તણાઈ ગયો.
બેત્રાવતીમાં તો તારાજીનું દૃશ્ય વધુ ભયાનક છે. જ્યાં થોડા દિવસો પહેલાં બજાર, મંદિર અને શાળા ધમધમતા હતા, ત્યાં હવે કશું જ બચ્યું નથી.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પૂરના ધસમસતા પ્રવાહમાં આખો વિસ્તાર તણાઈ ગયો છે. અનેક લોકોનાં મોત થયા છે, જ્યારે ઘણા લોકોનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી.
પૂરના કારણે સંપર્કવિહોણા બનેલા વિસ્તારોમાં બાળકો પણ ફસાયા હતા. તેમને પણ હેલિકોપ્ટર મારફતે સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે.
સેનાના રાહત કેમ્પમાં પહોંચાડવામાં આવેલા બાળકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.
શનિવારની સવાર સુધીમાં સેનાએ કુલ 2,265 લોકોને હવાઈ માર્ગે સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. તેમાં 163 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે 200 લોકોને જમીન માર્ગે બચાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત 1,706 ઘાયલોની સારવાર કરવામાં આવી છે. સમગ્ર રાહત અને બચાવ અભિયાનમાં સેનાના આશરે 6,700 જવાનો તૈનાત છે.
નેપાળની આ ભયાનક કુદરતી આફત વચ્ચે કાટમાળના ઢગલા વચ્ચેથી જિંદગી બચાવવાના પ્રયાસો સતત ચાલુ છે. એક તરફ પરિવારજનો પોતાના સ્વજનોની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ સુરક્ષા દળોના જવાનો જીવના જોખમે લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં લાગેલા છે.
