હાલોલ તાલુકાના નાના જેપુરા ગામની સીમ વિસ્તારમાં આશરે 9 ફૂટ લાંબો અજગર દેખાતા સ્થાનિકોમાં થોડો ભયનો માહોલ સર્જાયો હતો. જોકે સ્થાનિકોએ સમજદારી દાખવી અજગરને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના તાત્કાલિક સિદ્ધાંત જીવદયા ટીમને જાણ કરી હતી.
જાણ મળતા જ સિદ્ધાંત જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ હાલોલની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ દરમિયાન આશરે 9 ફૂટ લાંબો અજગર મળી આવ્યો હતો.
વન વિભાગના આરએફઓ ચંદ્રિકાબેન ચૌધરીના સલાહ, સૂચન અને માર્ગદર્શન હેઠળ જીવદયા ટીમ દ્વારા અજગરનું સાવચેતીપૂર્વક અને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

રેસ્ક્યુની કામગીરી પૂર્ણ થયા બાદ અજગરને માનવ વસવાટથી દૂર આવેલા સુરક્ષિત જંગલ વિસ્તારમાં લઈ જઈ કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સિદ્ધાંત જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે, કોઈપણ વન્યજીવ દેખાય તો તેને નુકસાન પહોંચાડવાના બદલે તાત્કાલિક વન વિભાગ અથવા જીવદયા ટીમને જાણ કરવી જોઈએ.
