સાવલી તાલુકાના રાણીપુરા ગામે મનરેગા-નરેગાની કામગીરીમાં બોગસ જોબ કાર્ડ બનાવીને આશરે ત્રણથી ચાર કરોડ રૂપિયા બારોબાર ઉપાડી લઈને ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ ગ્રામજનોએ લગાવતા સમગ્ર તાલુકામાં ચર્ચા જાગી છે
સાવલી તાલુકા માં ફરી એકવાર વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનું છે સમગ્ર રાજ્યમાં બહુચરચીત મનરેગા કાંડ ફરી એકવાર સાવલીમાં કાંડ થયો હોય તેવું ફલિત થઈ રહ્યું છે સાવલીના રાણીપુરા ગામે મનરેગા-નરેગાની કામગીરીમાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગામ ના જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે,વિકાસ ના કામ કર્યા વિના બારોબાર જ મજૂરોના નામે નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે.
ગ્રામજનો ના આક્ષેપ મુજબ, મનરેગાના જોબ કાર્ડમાં મજૂરોના નામ સાચા હોવા છતાં કેટલાક કિસ્સાઓમાં અન્ય વ્યક્તિઓના ફોટા લગાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉપરાંત, 300થી વધુ લોકોના નામે નાણાં ઉપાડવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. સમગ્ર મામલે અંદાજે રૂ.3 થી 4 કરોડના કૌભાંડની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. નાણા ઉપાડતી વેળાએ પાવડો અને ત્રિકમ લઈને ખોટો પડાવીને ₹100 ચૂકવવામાં આવ્યા છે અને ત્યારબાદ પ્રત્યેક લાભાર્થી ના ખાતામાં વાર્ષિક આશરે 17 થી 25 હજાર રૂપિયા સુધીની રકમ ઉપાડી લેવામાં આવી છે અને આવા 300 થી વધુ લાભાર્થીઓના છેલ્લા સાત વર્ષથી દર વર્ષે નાણાં ઉપાડી લેવામાં આવી રહ્યા છે
પ્રવિણ ભાઈ ગોહિલ ના જણાવ્યા મુજબ, મનરેગા હેઠળ મજૂરો દ્વારા થવાની કામગીરીના બદલે મશીનોનો ઉપયોગ કરીને કામ કરાવવામાં આવ્યું હોવાના આક્ષેપો છે. રાણીપુરા ગામના તળાવમાં આશરે 60 ફૂટ જેટલું ખોદકામ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તળાવમાંથી નીકળેલી માટી પણ વેચી દેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ કરીને ગામ ના ઢોર તળાવ માં પડે તો બહાર નીકળી ન શકે તેવી સ્થિતિ છે
મિતેશ ગોહિલ નામના યુવકે આર ટી આઈ કરીને માહિતી માંગી છે અને જણાવ્યું છે કે નામ અલગ અને ફોટો અલગ આ રીતે નકલી જોબકાર્ડ બનાવ્યા છે અને ખરેખર લાભાર્થીઓને તો નાણાં મળ્યા જ નથી અને અમે જ્યારે તપાસ કરી ત્યારે ગ્રામજનોને ખબર પડી કે તેમના ખાતામાં આટલા રૂપિયા પડીને ઉપડી ગયા છે આ સમગ્ર કૌભાંડ વીસી દ્વારા કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને મનરેગા હેઠળ મશીનરીથી કામ કરાવીને લાભાર્થીઓના નામે નાણાં ઉધારીને ઉપાડ્યા છે
આમ ફરી એકવાર સરકારની તિજોરી ને ચૂનો લગાવવામાં આવ્યો છે સમગ્ર મામલે મનરેગા-નરેગાના મસ્ટર રોલ, જોબ કાર્ડ, હાજરી, કામના ફોટોગ્રાફ્સ તેમજ પેમેન્ટ રેકોર્ડની સઘન તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. જો નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો મોટાપાયે ગેરરીતિ બહાર આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આમ સમગ્ર મામલે આખા ગામમાં ભારે આક્રોશ ફેલાયો છે આમ તાલુકામાં વિકાસ ના કામો માં ફરીએકવાર ભ્રષ્ટાચાર નુ ભૂત ધૂણ્યું છે તને જો તટસ્થ રીતે સમગ્ર તાલુકાની પંચાયતોમાં મનરેગાના કામો મુદ્દે તપાસ થાય તો મસ્ મોટું કૌભાંડ બહાર આવે તેવી ચર્ચા એ જોર પકડી છે અને આવનાર સમયમાં રાણીપુરા ગામના નાગરિકો જિલ્લા કલેકટરથી લઈ ઉચ્ચસ્તરે રજૂઆત કરનાર છે
