દેશભરમાં સ્વચ્છ ભારત મિશનના ઢોલ વાગી રહ્યા છે, ગામડાઓને સ્વચ્છ અને કચરામુક્ત બનાવવાના દાવા થઈ રહ્યા છે, પરંતુ ઘોઘંબા તાલુકાના નવાનગર ગામમાં સ્વચ્છ ભારત અભિયાનના જ ધજાગરા ઊડતા હોવાની ચર્ચા શરૂ થઈ છે.
ગામના તળાવ પાસે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ કચરા સંગ્રહ અને વર્ગીકરણ માટે બનાવવામાં આવેલ શેડ આજે બિનઉપયોગી હાલતમાં પડ્યો હોવાનું સામે આવ્યું છે. શેડના પતરા ગાયબ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે શેડના પતરા ક્યાં ગયા? અને આ કામગીરી પાછળ ફાળવવામાં આવેલા નાણાંનો વાસ્તવમાં ઉપયોગ ક્યાં થયો?
ગ્રામજનોમાં એવી ચર્ચા છે કે અંદાજે એક-બે વર્ષ પહેલાં બનાવવામાં આવેલ આ કચરા સંગ્રહ અને વર્ગીકરણ શેડની હાલત આજે એવી બની ગઈ છે કે જાણે કોઈ વર્ષો જૂની અને જર્જરિત ઇમારત હોય! લાખો રૂપિયાની વિવિધ સરકારી ગ્રાન્ટ અને યોજનાઓ દ્વારા ગામડાઓમાં સ્વચ્છતા વ્યવસ્થા ઉભી કરવાના દાવા વચ્ચે નવાનગરનો આ શેડ તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

જેવી ગ્રામ પંચાયતના મકાનની હાલત, તેવી જ સ્વચ્છતા માટે બનાવવામાં આવેલી સુવિધાની હાલત! શેડ બિનઉપયોગી છે, પતરા ગાયબ છે અને કચરા સંગ્રહ તથા વર્ગીકરણની વ્યવસ્થા ક્યાંય નજરે પડતી નથી તેવી ગ્રામજનોમાં ચર્ચા છે.
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન માટે ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ, કચરાનું વર્ગીકરણ, શેડ, કમ્પોસ્ટ પિટ સહિતની સુવિધાઓ માટે નાણાકીય જોગવાઈ કરવામાં આવે છે.
વસ્તી અને મંજૂર પ્રોજેક્ટના આધારે ઘન કચરા વ્યવસ્થાપન માટે વ્યક્તિદીઠ ₹705 સુધીની જોગવાઈ તેમજ નાના ગામો માટે જરૂરિયાત મુજબ ન્યૂનતમ ₹1 લાખ સુધીની સહાય ઉપલબ્ધ હોવાની જોગવાઈ છે. ઉપરાંત, ગ્રામજનોના જણાવ્યા મુજબ સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન માટે પ્રતિ વ્યક્તિ અંદાજે ₹60ની રકમ મળતી હોવાની ચર્ચા છે.
પરંતુ નવાનગર ગામમાં જો આ નાણાં સ્વચ્છતા માટે ફાળવાયા હોય તો કચરો ક્યાં એકત્રિત થાય છે? કચરાનું વર્ગીકરણ ક્યાં થાય છે? શેડ બિનઉપયોગી કેમ છે? અને ગાયબ થયેલા પતરાની જવાબદારી કોની? તેવા સવાલો ગ્રામજનો પૂછી રહ્યા છે.
“નાણાં ખવાઈ ગયા કે વ્યવસ્થા ખાઈ ગઈ?”
ગામમાં સાફસફાઈની યોગ્ય વ્યવસ્થા ન હોવા અને કચરા સંગ્રહ શેડ બિનઉપયોગી હાલતમાં પડ્યો હોવાના આક્ષેપો વચ્ચે સ્વચ્છતાના નામે ફાળવાયેલા નાણાં ક્યાં અને કેવી રીતે ખર્ચાયા તેની પારદર્શક તપાસ કરવાની માંગ ઉઠી છે.
માત્ર કાગળ પર ઠરાવો પસાર કરીને, અંદાજ બનાવીને અને બિલો ચૂકવી દેવાથી ગામ સ્વચ્છ બની જતું નથી. જમીન પર કામગીરી દેખાય, કચરા વ્યવસ્થાપનની સુવિધા કાર્યરત રહે અને ફાળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય ત્યારે જ સ્વચ્છ ભારત મિશનનો સાચો હેતુ સાકાર થાય.
ઠરાવથી લઈને બિલ સુધી તપાસની માંગ
ગ્રામજનો દ્વારા હવે સંબંધિત વિભાગ સમક્ષ નીચેની બાબતોની તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે:
- શેડ બનાવવા માટે ગ્રામ પંચાયતે ક્યારે ઠરાવ કર્યો?
- કામગીરીનો અંદાજ કેટલો હતો?
- વર્ક ઓર્ડર કોને આપવામાં આવ્યો?
- કઈ ગ્રાન્ટમાંથી કેટલા રૂપિયા ફાળવાયા?
- કામગીરી પૂર્ણ થયાનું બિલ કેટલા રૂપિયાનું ચૂકવાયું?
- શેડના પતરા અને અન્ય સામગ્રી હાલમાં ક્યાં છે?
- કચરા સંગ્રહ અને વર્ગીકરણ માટે આજદિન સુધી કેટલી રકમ ખર્ચાઈ?
નવાનગરમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ બનાવવામાં આવેલી સુવિધાની હાલત જોતા હવે ગ્રામજનોની એક જ માંગ છે કે ગ્રામ પંચાયતના ઠરાવ, ટેકનિકલ અંદાજ, વર્ક ઓર્ડર, મંજૂર ગ્રાન્ટ, ખર્ચની વિગતો અને બિલોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.
જો સરકારી નાણાં ફાળવાયા હોય અને કામગીરી ગુણવત્તાપૂર્ણ તથા ઉપયોગી ન હોય, તો જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે.
સ્વચ્છ ભારત મિશનનો નારો માત્ર દિવાલો પર લખવા માટે છે કે ગામની જમીન પર અમલ માટે?
નવાનગરના બિનઉપયોગી કચરા સંગ્રહ શેડને જોઈને હવે લોકો પૂછવા લાગ્યા છે
“સ્વચ્છ ભારતની ગ્રાન્ટ ક્યાં ગઈ? શેડના પતરા ક્યાં ગયા? અને સફાઈના નામે ખર્ચાયેલા નાણાંનો હિસાબ કોણ આપશે?”
હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર તંત્ર આ ગંભીર પ્રશ્નોની તપાસ કરશે કે પછી નવાનગરનો કચરા શેડ પણ અન્ય સરકારી યોજનાઓની જેમ માત્ર કાગળ પર જ ‘સ્વચ્છ અને સંપૂર્ણ’ હોવાનું દર્શાવાતો રહેશે!
