કોતર વિસ્તારમાં દીપડાની અવરજવર વધતા ગ્રામજનોમાં ફફડાટ, વન વિભાગને પાંજરું ગોઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ
સાવલી : સાવલી તાલુકાના પરથમપુરા (શિહોરા) પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવર વધતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. ગતરાત્રિના સમયે મોર આંબલી ગામે બે વર્ષની માસૂમ બાળકી પર દીપડાએ હુમલો કરવાનો પ્રયાસ કરતાં માતાની સતર્કતાના કારણે બાળકીનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ સમગ્ર પંથકમાં વાયુવેગે પ્રસરી જતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મોર આંબલી ગામના જાદવ સુરેશભાઈ ભુપતભાઈના પત્ની દક્ષા બહેન સાંજના સમયે ઘરની બહાર વાસણ ધોઈ રહ્યા હતા. તે દરમિયાન તેમની આશરે બે વર્ષની પુત્રી હેતુ જાદવ નજીકમાં રમતી હતી. ત્યારે દીપડો બિલાડીપગે આવી બાળકી તરફ આગળ વધ્યો હતો અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
જોકે, માતા દક્ષા બહેનની સમયસૂચકતા અને સતર્કતાના કારણે દીપડાનો હુમલો નિષ્ફળ ગયો હતો અને માસૂમ બાળકીનો જીવ બચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા. ગ્રામજનોએ બેટરી અને મોબાઇલના અજવાળે તેમજ લાકડીઓ સાથે દીપડાની શોધખોળ હાથ ધરી હતી.
પરથમપુરા-શિહોરા સહિતના કોતર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી દીપડાના આંટાફેરા વધી ગયા હોવાની ચર્ચાએ લોકોમાં ડરનો માહોલ ઊભો કર્યો છે. ખાસ કરીને ખેડૂતો, ખેતમજૂરો અને પશુપાલકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. સાંજ પડતા જ લોકો બહાર નીકળતાં પણ ગભરાઈ રહ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.

દીપડાની વધતી અવરજવર અને માસૂમ બાળકી પર હુમલાના પ્રયાસની ઘટનાને પગલે ગ્રામજનોએ વન વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે. ગ્રામજનોએ દીપડાને પકડવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં પાંજરું ગોઠવી તેને ઝડપથી પકડવામાં આવે તેવી પણ માંગ કરી છે.
સ્થાનિકોમાં હાલ એક જ ચિંતા જોવા મળી રહી છે કે, દીપડાની અવરજવર પર તાત્કાલિક કાબૂ મેળવવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. જેથી વન વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે અને પેટ્રોલિંગ કરી ગ્રામજનોને ભયમુક્ત કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

