વિશ્વ વંદનીય પરમ પૂજ્ય શ્રી નારાયણબાપુજીની પાવન તપોભૂમિ શ્રી નારાયણ ધામ, તાજપુરા ખાતે આજે સંત-સમાજ અને આગેવાનોની પ્રેરણાદાયી મુલાકાત યોજાઈ હતી. સાધુ સીતારામદાસ મહારાજ પોતાના ભક્તમંડળ સાથે, ભરૂચ–રાજપીપળાથી પધારેલા સુનિલભાઈ અને મહેન્દ્રભાઈ, તેમજ વડોદરા જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ રાકેશભાઈ કાશિવાલાએ શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિવિધ સેવાપ્રકલ્પોની મુલાકાત લઈ હર્ષ અને પ્રસન્નતા વ્યક્ત કરી.
મહાનુભાવોએ નારાયણ આઈ હોસ્પિટલ, નારાયણ ગીર ગૌશાળા તથા વિરાટ નારાયણ વનની મુલાકાત દરમિયાન નિઃસ્વાર્થ માનવસેવા, ગૌસેવા, અન્નપૂર્ણા સેવા, પર્યાવરણ સંરક્ષણ અને પ્રાકૃતિક કૃષિના સમન્વિત કાર્યોને ખૂબ નજીકથી નિહાળ્યા. તેમણે જણાવ્યું કે એક જ સ્થળે સેવા, સંસ્કાર અને આધ્યાત્મિકતાનું આવું સુંદર સંકલન દુર્લભ છે અને સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી છે.
મુલાકાત દરમિયાન ગૌઆધારિત પ્રાકૃતિક કૃષિના આધારસ્તંભ જીવામૃત અને ઘન જીવામૃત પ્રકલ્પ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ પ્રકલ્પની વૈજ્ઞાનિકતા, સરળતા અને ખેડૂતો માટેની ઉપયોગિતા જાણી મહાનુભાવોએ પોતાના વિસ્તારમાં પણ તેનો પ્રચાર-પ્રસાર કરીને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
આ સમગ્ર મુલાકાતનું સુંદર સંકલન અને માર્ગદર્શન “વોકમેન ઓફ ઇન્ડિયા” ડૉ. રાજુ એમ. ઠક્કરએ સેવાભાવ અને આત્મીયતા સાથે કર્યું.

આ પ્રસંગે સાધુ સીતારામદાસ મહારાજે પોતાના આશીર્વચનમાં જણાવ્યું કે
“શ્રી નારાયણ ધામ, તાજપુરામાં થઈ રહેલા માનવસેવા, ગૌસેવા, અન્નપૂર્ણા સેવા, પ્રકૃતિસેવા અને પ્રાકૃતિક કૃષિના કાર્યો ખરેખર અનુસરવા જેવા છે. જો દેશના દરેક સાધુ-સંત, આશ્રમ અને સામાજિક સંસ્થાઓ આવા સેવાયજ્ઞ સાથે જોડાય, તો ભારતનું ભવિષ્ય નિશ્ચિતપણે વધુ ઉજ્જવળ, સમૃદ્ધ અને સંસ્કારવાન બનશે.”
શ્રી નારાયણ ધામ આજે માત્ર એક આધ્યાત્મિક કેન્દ્ર નથી, પરંતુ સેવા, સંસ્કાર, સ્વાવલંબન અને પ્રકૃતિ સાથે સુમેળભર્યા જીવનનું જીવંત મોડેલ બની સમગ્ર સમાજને નવી દિશા આપી રહ્યું છે.
