ગોધરા સ્થિત પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારતીય મજદૂર સંઘના દેશવ્યાપી આહવાનના ભાગરૂપે વિવિધ શ્રમિક સંગઠનો દ્વારા પડતર પ્રશ્નો અંગે મોટો વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ રેલી દરમિયાન અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓએ મોટી સંખ્યામાં હાજર રહી અધિક કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતું. પીએમ પોષણ અને આંગણવાડી કર્મચારીઓ માટે કેન્દ્ર સંચાલકોને “શાળા પોષણ સહાયક” જાહેર કરવા, લઘુત્તમ વેતન ₹૩૦,૦૦૦ કરવું, દર વર્ષે માનદ વેતનમાં ૧૦% નો વધારો આપવો, નિવૃત્તિ વય ૫૮ થી વધારીને ૬૫ વર્ષ કરવી તેમજ ₹૪ લાખની અકસ્માત સહાય આપવાની મુખ્ય માંગણીઓ રજૂ કરાઈ હતી.

આ ઉપરાંત શ્રમિકોના વ્યાપક હિતમાં ૮મા પગાર પંચની સત્વરે અમલવારી કરવા, જૂની પેન્શન સ્કીમ પુનઃ શરૂ કરવા, ઓછામાં ઓછું ₹૭,૫૦૦ EPS પેન્શન + DA આપવા તેમજ ESIC, EPF અને ગ્રેચ્યુઈટીની મર્યાદા વધારવા માટે પણ આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લા બીએમએસ અને સંલગ્ન સંગઠનના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો શ્રમિકોના આ પડતર પ્રશ્નોનું વહેલી તકે સકારાત્મક નિરાકરણ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં લડતને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
