કતવારા પોલીસે ઇન્દોર-અમદાવાદ હાઈવે પરથી 64.62 લાખ રૂપિયાના 430 કિલોથી વધુ પોષડોડા (અફીણના જીંડવા) જપ્ત કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન એક સ્કોર્પિયો ગાડી પણ જપ્ત કરવામાં આવી હતી.દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે જિલ્લા પોલીસને સૂચનાઓ આપવામાં આવી હતી. દાહોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.પી. ભંડારીના માર્ગદર્શન હેઠળ કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એમ. ગાવિત કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

એ.એસ.આઇ. અલ્તાપખાન બસીરખાનને ખાનગી બાતમી મળી હતી કે કઠલા ગામ તરફથી એક કાળા રંગની સ્કોર્પિયો ગાડી શંકાસ્પદ હાલતમાં હાઈવે તરફ આવી રહી છે.
બાતમીના આધારે કઠલા નાળ તરફ વોચ ગોઠવવામાં આવી હતી અને કતવારા પોલીસ સ્ટેશનના અન્ય સ્ટાફને રોડ પર બેરીકેડ મૂકી વાહનો રોકવા જણાવાયું હતું.બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેનો પીછો કર્યો હતો. ગાડી ભીટોડી ગામે પણ ઊભી રહી ન હતી અને દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનની ચેકપોસ્ટ પર બેરીકેડને ટક્કર મારી આગળ નીકળી ગઈ હતી. ટાયર ફાટી જતાં ગાડી રામપુરા ગામે હાઈવે રોડની બાજુમાં મૂકીને બંને અજાણ્યા ઇસમો અન્ય વાહનમાં બેસીને ફરાર થઈ ગયા હતા.
પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ જેવી સુગંધ આવતી હતી. ગાડીને પોલીસ સ્ટેશન લાવીને તપાસ કરતા, તેમાંથી પ્લાસ્ટિકના 21 મોટા થેલા, 2 નાના થેલા અને સાડીના પોટલામાંથી 24 સફેદ પ્લાસ્ટિકના થેલા મળી આવ્યા હતા. આ થેલાઓમાં કુલ 430.083 કિલો પોષડોડા ભરેલા હતા, જેની કિંમત 64,62,450 રૂપિયા આંકવામાં આવી છે.
પોલીસે નંબર પ્લેટ વગરની 10 લાખ રૂપિયાની સ્કોર્પિયો ગાડી પણ જપ્ત કરી છે. આમ, કુલ 74,62,450 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફરાર થયેલા બંને અજાણ્યા ઇસમો વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ 15(સી) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
