કાજર બારીયા (છોટાઉદેપુર)
અવધ એક્સપ્રેસ, તા.૧૪
છોટાઉદેપુર જિલ્લા ક્ષય કેન્દ્ર અને આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ (NTEP) અંતર્ગત હોટલ મહાલક્ષ્મી બોડેલી ખાતે ખાનગી તબીબો માટે એક વિશેષ સીએમઈ (Continuing Medical Education) સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ “ટીબી મુક્ત ભારત”ના લક્ષ્યને સાકાર કરવા માટે સરકારી અને ખાનગી આરોગ્ય ક્ષેત્ર વચ્ચે સંકલન વધારવાનો હતો.સેમિનાર દરમિયાન ઉપસ્થિત ખાનગી તબીબોને ક્ષયરોગ (TB) ની વહેલી ઓળખ, અદ્યતન નિદાન પદ્ધતિઓ, નવીન સારવાર અને દર્દીઓના નિયમિત ફોલોઅપ અંગે વિસ્તૃત ટેકનિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ટીબીના દરેક દર્દીની વિગતો સરકારના Ni-kshay (નિક્ષય) પોર્ટલ પર ફરજિયાત નોંધણી (Notification) કરવા અંગે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા તબીબોને અપીલ કરવામાં આવી હતી કે ખાનગી ક્ષેત્રમાં સારવાર લેતા દર્દીઓને પણ સરકાર દ્વારા ઉપલબ્ધ મફત નિદાન, દવાઓ, કાઉન્સેલિંગ અને અન્ય જાહેર આરોગ્ય સેવાઓનો લાભ મળે તે સુનિશ્ચિત કરવામાં આવે. ટીબીના શંકાસ્પદ દર્દીઓની વહેલી તપાસ અને સંપર્કમાં આવતી વ્યક્તિઓની સ્ક્રીનિંગ દ્વારા જ આ રોગને જડમૂળથી નાબૂદ કરી શકાશે.આ સેમિનારમાં બોડેલી વિસ્તારના ખાનગી ડૉક્ટરોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ (NTEP) સાથે ખભેખભા મિલાવીને કામ કરવાની અને પૂર્ણ સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમ માં ડબલ્યુ એચ ઓ ક્લસન્ટન્ટ ડો હાર્દિક નકસીવાલા તથા સયાજી હોસ્પિટલ વડોદરા ખાતે થી આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.કેયુર પટેલ ખાસ ઉપસ્થિત રહી ટીબી વિશે વિસ્તૃત જાણકારી આપી હતી યોજાયેલ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના ચેરમેન ડો.વનીતા રાઠવા તથા છોટાઉદેપુર જિલ્લાના આઇએમ પ્રમુખ ડો. સ્નેહલ રાઠવા તથા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ માં થી મુખ્ય જિલ્લા આરોગ્ય ડો પાઉલ વસાવા તથા જિલ્લા ક્ષય અધિકારી ડો.બી.એમ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં ખાનગી તબીબો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર સીએમઇનુ સંચાલન જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના ડીપીએસ વાલસિંગભાઈ રાઠવા એ કર્યું હતું.
