(કાજર બારીઆ)
સમગ્ર ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયત વિભાગના તલાટી કમ મંત્રીઓ પોતાની પડતર માંગણીઓને લઈને અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતરેલા છે. જેના કારણે ગ્રામ્ય સ્તરે રોજબરોજની પ્રજાલક્ષી કામગીરી જેવી કે આવક, જાતિ અને રહેઠાણના દાખલા, પ્રમાણપત્રો તેમજ પેઢીનામું બનાવવાની કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. આ વહીવટી મડાગાંઠ વચ્ચે સૌથી ગંભીર અસર વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય અને કારકિર્દી પર પડી રહી છે.
નાગરિકો અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે પ્રાંત અધિકારી દ્વારા ગત તા. ૦૧/૦૮/૨૦૨૬ ના રોજ એક સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ સ્પષ્ટ આદેશ મુજબ, પંચાયત તલાટીઓની હડતાલના સમયગાળા દરમિયાન મહેસૂલી તલાટીઓને પંચાયતની કામગીરીનો વધારાનો કાર્યભાર (ચાર્જ) સંભાળીને પ્રજાના પ્રશ્નો હલ કરવા હુકમ કરાયો હતો. પરંતુ અત્યંત આઘાતજનક અને શરમજનક બાબત એ છે કે, આ આદેશને ૧૨ દિવસ વીતી ગયા હોવા છતાં કદવાલ તાલુકાના મહેસૂલી તલાટીઓ પોતાના સોંપાયેલા સેજામાં ઉપસ્થિત રહ્યા નથી અને ચાર્જ સંભાળ્યો નથી.
આ ગંભીર વહીવટી અરાજકતામાં સ્થાનિક મામલતદારની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતા સ્પષ્ટપણે છતી થઈ છે. મહેસૂલી તલાટીઓ સીધા મામલતદારના વહીવટી નિયંત્રણ હેઠળ ફરજ બજાવતા હોય છે. પ્રાંત અધિકારીના સત્તાવાર આદેશનું કડક પાલન કરાવવાની, સેજામાં તલાટીઓ હાજર છે કે નહીં તેની ખાતરી કરવાની અને હુકમની અવગણના કરનાર કર્મચારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાની પ્રાથમિક જવાબદારી તાલુકા મામલતદારની છે. પરંતુ, મામલતદાર કચેરી દ્વારા કોઈ જ પ્રકારની દેખરેખ કે સખ્તાઈ ન દાખવવામાં આવતા સરકારી આદેશો માત્ર કાગળ પર જ ધૂમ્રસેર બની ગયા છે અને વહીવટી તંત્ર રામભરોસે ચાલતું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
હાલ નવું શૈક્ષણિક સત્ર પૂરઝડપે ચાલી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા, સ્કોલરશિપના ફોર્મ ભરવા તેમજ હોસ્ટેલની સુવિધા માટે સમયસર જરૂરી દાખલાઓની સખત જરૂરિયાત હોય છે. તલાટીઓની હડતાલ અને સામે મામલતદાર તંત્રની આ લાપરવાહીના કારણે કદવાલ તાલુકાના અસંખ્ય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે અને વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને કદવાલ તાલુકા સરપંચ સંઘ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે. જો તાત્કાલિક અસરથી મહેસૂલી તલાટીઓ પાસે ચાર્જ અપાવી કામ શરૂ નહીં કરાય અથવા બેદરકાર અધિકારીઓ સામે પગલાં ભરી તાલુકા કક્ષાએ વૈકલ્પિક કેમ્પની વ્યવસ્થા નહીં થાય, તો સરપંચ સંઘ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
