સાવલી બી.કે. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના શિવરંજન હોલ ખાતે સ્વ. મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ તથા એસ.એસ.જી. આયુષ બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં સાવલી નગરના યુવાનો સહિત અનેક રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક જોડાઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.
રક્તદાન શિબિરમાં યુવાનો દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કરી સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની અછત ન સર્જાય અને લોકોમાં નિયમિત રક્તદાન અંગે જાગૃતિ આવે તે હેતુથી આ શિબિર યોજવામાં આવી હતી.

આ પ્રસંગે વૃંદાલી ઇનામદારે જણાવ્યું હતું કે, તેમના દાદા સ્વ. મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદારની સ્મૃતિમાં કાર્યરત ટ્રસ્ટ દ્વારા વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. રક્તદાન મહાદાન છે અને ભગવાને આપણને અન્ય લોકોના જીવન બચાવવામાં સહભાગી બનવાની શક્તિ આપી છે. જરૂર માત્ર એટલી છે કે લોકોમાં રક્તદાન અંગે જનજાગૃતિ આવે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્વસ્થ અને સક્ષમ નાગરિકોએ નિયમિત રીતે રક્તદાન કરવાની ભાવના કેળવવી જોઈએ. રક્તદાનથી કોઈનું જીવન બચી શકે છે ત્યારે સમાજના દરેક નાગરિકે સેવાભાવ સાથે આગળ આવી રક્તદાન માટે પ્રેરણા આપવી જોઈએ.
શિબિર દરમિયાન રક્તદાન કરનાર યુવાનોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. આયોજકો દ્વારા રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી સમાજમાં રક્તદાન અંગે વધુને વધુ જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
