સાવલી તાલુકાના પીલોલથી આસોજ ગામને જોડતા માર્ગ પર આશરે 12 ફૂટ લાંબો મહાકાય મગર દેખાતા પંથકમાં ફફડાટ ફેલાયો છે. મગરના રેસ્ક્યુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મોડી રાત્રે અવરજવર કરતા નોકરિયાતો, ખેડૂતો, પશુપાલકો અને વિદ્યાર્થીઓમાં ચિંતા વધી છે.
પીલોલ-આસોજ માર્ગ પર મહાકાય મગર દેખાતા મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા કર્મચારીઓની ટીમે સ્થળ પર પહોંચી મગરને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. આશરે 12 ફૂટ લાંબા મગરને દોરડાની મદદથી કાબૂમાં લેવામાં આવ્યો હતો. જોકે, દોરડાથી બાંધ્યા બાદ પણ મગર અચાનક ગ્રામજનો તરફ ધસી આવતો જોવા મળ્યો હતો. મગરના આક્રમક તેવરનો સમગ્ર ઘટનાક્રમ હાજર લોકોએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
દસ દિવસમાં બે મગર પકડાતા ચિંતા વધી
પીલોલ અને આસોજ પંથકમાં મગરોની અવરજવર વધતા સ્થાનિકોમાં ચિંતા વધી છે. છેલ્લા દસ દિવસમાં બે મગરો પકડાયા હોવાનું સામે આવતા ગ્રામજનોમાં ભયની લાગણી વધુ ઘેરી બની છે. ખાસ કરીને રાત્રિના સમયે આ માર્ગ પરથી એકલદોકલ પસાર થવામાં લોકો ખચકાટ અનુભવી રહ્યા છે.
ગ્રામજનો દ્વારા પીલોલ-આસોજ માર્ગ તેમજ આસપાસના વિસ્તારોમાં મગરોની વધતી અવરજવરને ધ્યાનમાં રાખી વન વિભાગ દ્વારા નિયમિત પેટ્રોલિંગ વધારવા અને તકેદારીના પગલાં ભરવા માંગ કરવામાં આવી છે. મગરો ક્યાંથી આવી રહ્યા છે અને આસપાસના જળાશયો કે નદી-કાંઠા વિસ્તારમાં તેમની હાજરી કેટલી છે તે અંગે પણ તંત્ર દ્વારા સઘન તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
