ઘોઘંબા-પાવાગઢ રોડ પર રસ્તો ઓળંગવા જતાં એક કપિરાજને અજાણ્યા વાહને અડફેટે લેતાં ગંભીર ઇજા પહોંચી હતી. એમજીવીએલ કચેરી સામે બનેલી આ ઘટનામાં ઇજાગ્રસ્ત કપિરાજ રસ્તાની બાજુમાં બેભાન હાલતમાં પડ્યો હોવાની જાણ થતાં વન વિભાગે તાત્કાલિક દોડી જઈ તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.
મળતી માહિતી મુજબ, ઘોઘંબા-પાવાગઢ રોડ પર કપિરાજ રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહનની અડફેટે આવી ગયો હતો. અકસ્માતમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તે રસ્તા નજીક બેભાન હાલતમાં પડ્યો હતો. દરમિયાન એક સ્થાનિક સામાજિક કાર્યકરની નજર ઇજાગ્રસ્ત કપિરાજ પર પડતાં તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.

જાણ મળતાં જ રાજગઢ રેન્જનો વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વનકર્મીઓએ જરૂરી તકેદારી સાથે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી ઇજાગ્રસ્ત કપિરાજને સુરક્ષિત રીતે પાંજરામાં લીધો હતો. ત્યારબાદ તેને ઘોઘંબા ખાતેના પશુચિકિત્સા કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
અકસ્મતમાં ગંભીર રીતે ઘવાયેલા કપિરાજને સમયસર સારવાર મળી રહે તે માટે સ્થાનિક કાર્યકરની જાગૃતિ અને વન વિભાગની ત્વરિત કામગીરી મહત્વપૂર્ણ બની હતી. વન વિભાગના સમયસરના રેસ્ક્યુના પગલે ઇજાગ્રસ્ત કપિરાજને જરૂરી સારવાર મળી શકી હતી.
સ્થાનિક કાર્યકરની સતર્કતાથી વન વિભાગને જાણ; રાજગઢ રેન્જના સ્ટાફે તાત્કાલિક રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડ્યો
