ઘોઘંબા તાલુકાના દુધાપુરા ગામે પ્રાથમિક શાળા અને પાણીની ટાંકી નજીક હજારો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી સરક્ષણ દીવાલ વિવાદના વમળમાં આવી છે. દીવાલના બાંધકામમાં વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપો વચ્ચે સ્થળ પર જોવા મળતી સ્થિતિએ બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
દુધાપુરા પ્રાથમિક શાળા અને પાણીની ટાંકી પાસે બનાવવામાં આવેલી આ સરક્ષણ દીવાલમાં કોક્રીટના માલ સાથે કચરો પણ ભળી ગયો હોય તેવી સ્થિતિ નજરે પડતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. એટલું જ નહીં, દીવાલના એક ખૂણે રેતી, કપચી અને સિમેન્ટના આર.સી.સી. માલ સાથે આખો ચપ્પલ પણ ભરાઈ ગયેલો જોવા મળ્યો છે.

દીવાલમાં ચપ્પલ દેખાતા સ્થાનિકોમાં પણ ભારે ચર્ચા અને આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. લોકો કટાક્ષ કરતાં કહી રહ્યા છે કે, “દીવાલને કોઈની બૂરી નજર ન લાગે અને બિલ મળ્યા સુધી ટકી રહે એ માટે કદાચ ચપ્પલ લગાવવામાં આવી હશે!”
જોકે, આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ બાંધકામની ગુણવત્તા અને સરકારી નાણાંના ઉપયોગનો છે. જો ખરેખર આર.સી.સી.ના માલમાં કચરો કે અન્ય બિનજરૂરી સામગ્રી ભેળવવામાં આવી હોય તો શું આ સરકારી કામમાં ગુણવત્તાના ધોરણોનું પાલન થયું છે? શું બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રીની ગુણવત્તાની યોગ્ય ચકાસણી કરવામાં આવી છે? અને સૌથી મહત્વનું કામ પૂર્ણ થયા બાદ તેની ગુણવત્તાની જવાબદારી કોણ નક્કી કરશે?

વિકાસના કામો માત્ર કાગળ પર પૂર્ણ બતાવી દેવા પૂરતા નથી. જાહેર નાણાંમાંથી કરવામાં આવતા દરેક બાંધકામમાં મજબૂતાઈ, ગુણવત્તા અને પારદર્શિતા જળવાય તે જરૂરી છે.
અહીં વધુ એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે વિકાસના કામોની જવાબદારી માત્ર સરપંચની જ છે કે તલાટી-કમ-મંત્રી સહિત સંબંધિત અધિકારીઓની પણ જવાબદારી નક્કી થાય છે? સરકારી નાણાંનો દુરુપયોગ ન થાય અને ગ્રામ્ય વિસ્તારમાં થતા વિકાસના કામો ગુણવત્તાયુક્ત બને તેની દેખરેખ અને જવાબદારી કોની?
સ્થાનિકો દ્વારા સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગ ઉઠી રહી છે. તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી બાંધકામમાં વપરાયેલા મટિરિયલના નમૂના લેવામાં આવે, ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે અને જો ગેરરીતિ બહાર આવે તો જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.
હવે જોવાનું એ રહ્યું કે દુધાપુરાની આ “સરક્ષણ દીવાલ” ખરેખર મજબૂત છે કે પછી માત્ર કાગળ પર જ મજબૂત બતાવવામાં આવી છે?
સરકારી નાણાંના એક-એક રૂપિયાનો હિસાબ અને વિકાસના કામની ગુણવત્તા સુનિશ્ચિત કરવાની જવાબદારી ધરાવતા તંત્રના અધિકારીઓ આ સમગ્ર મામલે ગંભીર નોંધ લઈ તપાસનો આદેશ આપે છે કે નહીં, તેના પર સૌની નજર મંડાઈ છે.
ગ્રાન્ટની રકમ ગ્રામ પંચાયતના વિકાસ માટે ફાળવવામાં આવતી હોય છે અને તેમાંથી બનાવેલ સરક્ષણ દીવાલનું કામ કરવામાં આવ્યું હોય, તો કામના ઠરાવથી લઈને મંજૂરી, માપપોથી, બિલ અને ચુકવણી સુધીની સમગ્ર પ્રક્રિયાની તપાસ કેમ ન થાય? દીવાલની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે ત્યારે સરપંચ સાથે તલાટી-કમ-મંત્રી અને સંબંધિત ટેકનિકલ અધિકારીની ભૂમિકા પણ તપાસવામાં આવશે કે નહીં?”
