ઘોઘંબા તાલુકાના પાધોરા ગામમાં મેઈન રોડથી હાઈસ્કૂલ તરફ જતો મુખ્ય માર્ગ હાલ વરસાદી પાણી અને કાદવના કારણે અત્યંત બિસ્માર બન્યો છે. રસ્તા પર પડેલા ઊંડા ખાડા અને તેમાં ભરાયેલા પાણીના કારણે અહીંથી પસાર થવું પણ જોખમી બન્યું છે. ખાસ કરીને આ માર્ગ પરથી દરરોજ પસાર થતાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ, કુમાર-કન્યા છાત્રાલયના વિદ્યાર્થીઓ તેમજ નજીક આવેલી આંગણવાડીના બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ હાઈસ્કૂલ તરફ જતો આ રસ્તો આશરે દસ વર્ષ અગાઉ બનાવવામાં આવ્યો હતો, જ્યારે હાઈસ્કૂલની આગળના ભાગમાં નવો રસ્તો પણ બનાવવામાં આવ્યો છે. તેમ છતાં મેઈન રોડથી હાઈસ્કૂલ તરફના માર્ગનો કેટલોક ભાગ અધૂરો અને ખાડાવાળો રહી જતા વરસાદી સિઝનમાં સમગ્ર માર્ગ કાદવમય બની જાય છે.
રસ્તા વચ્ચે થયેલા ખોદકામ બાદ યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો વચ્ચે હાલ સ્થિતિ એવી છે કે વાહનચાલકોને ખાડા અને કાદવ વચ્ચે રસ્તો શોધીને પસાર થવું પડે છે.

આ માર્ગ પર માધ્યમિક શાળા, કુમાર-કન્યા છાત્રાલય અને આંગણવાડી જેવી મહત્વની સંસ્થાઓ આવેલી છે. એટલે આ માત્ર સામાન્ય ગામનો રસ્તો નથી, પરંતુ બાળકો અને વિદ્યાર્થીઓની રોજિંદી અવરજવરનો મહત્વનો માર્ગ છે.
કીચડમાં બાઈક કે રિક્ષા લપસી જવાની સાથે વિદ્યાર્થીઓ પણ પડી જઈ ઈજાગ્રસ્ત થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં તંત્ર રસ્તાની તાત્કાલિક મરામત કરશે કે પછી અકસ્માતની રાહ જોશે? તેવો સવાલ ગ્રામજનોમાં ઉઠી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ નજીકમાં આવેલી પ્રાઇવેટ નર્સરીમાં ટ્રેક્ટર મારફતે રોપાઓ લાવવામાં આવતા હોવાથી આ માર્ગ પરથી ભારે વાહનોની અવરજવર રહે છે. વરસાદી માહોલમાં આવા વાહનોની અવરજવરથી રસ્તાની હાલત વધુ ખરાબ થતી હોવાની પણ ચર્ચા છે.

જો ભારે વાહનોના કારણે રસ્તાને નુકસાન થઈ રહ્યું હોય તો સંબંધિત વિભાગ દ્વારા વજનદાર વાહનોની અવરજવર અંગે કોઈ નિયમન કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે કે નહીં? તે પણ તપાસનો વિષય છે.
પાધોરા ગામમાં હાલ એક ગંભીર લોકચર્ચા પણ ચાલી રહી છે કે સ્થાનિક લોકોએ સરપંચને મત આપ્યા ન હોવાથી આ રસ્તાનું કામ થતું નથી. જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ થયેલી નથી. જો આ માત્ર અફવા છે તો ગ્રામ પંચાયત દ્વારા સ્પષ્ટતા થવી જોઈએ અને જો કોઈ રાજકીય ભેદભાવના કારણે વિકાસકામ અટકાવવામાં આવ્યું હોય તો તે અત્યંત ગંભીર બાબત ગણાય.
રસ્તાની સમસ્યા અંગે સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે જવાબદારી આવે ત્યારે સરપંચ તલાટી-કમ-મંત્રી તરફ અને તલાટી-કમ-મંત્રી સરપંચ તરફ જવાબદારી ઢોળતા હોવાની સ્થિતિ ઉભી થાય છે.
પરંતુ સવાલ એ છે કે ગ્રામ પંચાયતના વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટેનો મહત્વનો માર્ગ વર્ષોથી બિસ્માર હોય તો તેની નોંધ કોણ લેશે?
વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે શાળાએ પહોંચવું પડે છે, પરંતુ શાળાએ જવાનો રસ્તો જ કાદવમાં ખોવાઈ જાય તો વિકાસના દાવાઓ સામે સવાલો ઉભા થાય તે સ્વાભાવિક છે.
હવે જો જવાબદાર તંત્ર માત્ર એકબીજા ઉપર જવાબદારી ઢોળવાને બદલે સ્થળ પર પહોંચી વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરી તાત્કાલિક મેટલિંગ, ખાડા પુરાણ, પાણીના નિકાલ અને ત્યારબાદ કાયમી રસ્તાનું કામ કરે તો જ પાધોરાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને રાહત મળી શકે.
……………………………………………………………………..
મત ન મળ્યા નું વેર કે તલાટી ના વહીવટની બેદરકારી?
લોકચર્ચા તો એવી છે કે આ વિસ્તારના ગ્રામજનોએ સરપંચને મત આપ્યા નથી, એટલે રસ્તો જાણે વિકાસની યાદીમાંથી જ બહાર ફેંકાઈ ગયો હોય! જો વાત સાચી હોય તો આ રસ્તો ગ્રામજનોની સુવિધા માટે બનવાનો છે કે પછી મતના હિસાબે?
સરપંચને મત આપવાના હોય, તલાટી કમ મંત્રીને નહીં! તો પછી તલાટી કમ મંત્રીએ પણ પોતાની ફરજ નિભાવતાં રસ્તાની સમસ્યા અંગે સરપંચ કે તાલુકા કક્ષાના અધિકારીઓનું ધ્યાન કેમ ન દોર્યું? અને જો તલાટી કમ મંત્રીએ રજૂઆત કરી હોય તો પછી કામગીરી અટકી ક્યાં છે?
એકબીજા ઉપર જવાબદારી ઢોળીને ગ્રામજનોને ખો આપવાની રમત કેટલા દિવસ ચાલશે? સરપંચ કહે તલાટી જવાબદાર અને તલાટી કહે સરપંચ જવાબદાર પણ રસ્તાની હાલતનો જવાબદાર આખરે કોણ?
ગ્રામજનોને રાજકારણ નહીં, રસ્તો જોઈએ છે. મત કોને આપ્યો હતો એ નહીં, વિકાસ કોનો હક છે એ મહત્વનું છે. સરપંચ અને તલાટી કમ મંત્રી બંનેએ એકબીજા સામે આંગળી ચીંધવાને બદલે જવાબદારી સ્વીકારી રસ્તો ક્યારે બનશે તેની જાહેરમાં સ્પષ્ટતા કરવી જોઈએ.
વિકાસમાં મતનો હિસાબ ચાલશે કે વહીવટની ફરજ? હવે ગ્રામજનોને જવાબ જોઈએ!
