આઝાદીના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં ચાલી રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ઘોઘંબા તાલુકામાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એસ.એચ. વરીઆ હાઈસ્કૂલથી નવા બસ સ્ટેન્ડ સુધી યોજાયેલી આ તિરંગા યાત્રામાં પોલીસ પ્રશાસન, વહીવટી તંત્ર, વિદ્યાર્થીઓ, આંગણવાડી બહેનો, રાજકીય આગેવાનો, સંગઠનના હોદ્દેદારો, સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી નાગરિકો અને યુવાનો જોડાયા હતા.

તિરંગા યાત્રાના મુખ્ય અતિથિ તરીકે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તથા કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. તેમના સહિત રાજગઢ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.બી. ગઢવી, ઘોઘંબા મામલતદાર સેજલબેન જોષી, ઘોઘંબા સરપંચ નિલેષભાઈ વરીઆ, ભાજપ સંગઠન પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર, કિસાન મોરચાના જયપાલસિંહ રાઠોડ, ઘોઘંબા તાલુકા ભાજપના હોદ્દેદારો, હોમગાર્ડ યુનિટ રાજગઢ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
હાથમાં રાષ્ટ્રધ્વજ અને હૃદયમાં દેશભક્તિની ભાવના સાથે નીકળેલી તિરંગા યાત્રામાં ‘ભારત માતાકી જય’ અને ‘વંદે માતરમ’ના ગગનભેદી નારાઓથી ઘોઘંબા નગર ગુંજી ઉઠ્યું હતું. એસ.એચ. વરીઆ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લઈ દેશપ્રેમની ભાવનાને ઉજાગર કરી હતી. યાત્રા દરમિયાન માર્ગ પર તિરંગો લહેરાવતા બાળકો, યુવાનો, પોલીસ કર્મચારીઓ અને નાગરિકોનું દૃશ્ય સૌનું ધ્યાન ખેંચી રહ્યું હતું.

રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણી સાથે દેશના ગૌરવ સમા રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશપ્રેમની ભાવના દરેક નાગરિકના હૃદયમાં પ્રગટે તેવા ઉદ્દેશ સાથે યોજાયેલી આ તિરંગા યાત્રા ઘોઘંબા નગરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
‘હર ઘર તિરંગા’ના સંદેશ સાથે નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી યાત્રામાં એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં જોડાયેલા નાગરિકોએ હાથમાં તિરંગો લહેરાવીને દેશ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
તિરંગાની શાન અને દેશભક્તિના નારાઓ વચ્ચે ઘોઘંબાની ધરતી જાણે દેશપ્રેમના રંગે રંગાઈ ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો.
