અંદ્રખીયા પાસે રિક્ષા ચાલકે સમયસર બ્રેક મારતાં મુસાફરોનો આબાદ બચાવ, હાઈવા ચાલક વાહન મૂકી ફરાર
ડેસર તાલુકાના અંદ્રખીયા નજીક આજે મેટલ ભરેલા હાઈવા ટ્રકની બેદરકારી સામે આવી હતી. હાઈવા ચાલુ હાલતમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ડાલુ ખુલી જતાં તેમાં ભરેલા મોટા મોટા મેટલ રોડ પર ધડાધડ પથરાઈ ગયા હતા.
હાઈવાની પાછળથી આવી રહેલી રિક્ષાના ચાલકે મેટલ રોડ પર પડતાં જ સમયસર બ્રેક મારી દેતાં મોટી દુર્ઘટના ટળી હતી. રિક્ષામાં બેઠેલા મુસાફરોનો સદનસીબે આબાદ બચાવ થયો હતો. જો હાઈવાની પાછળ તે સમયે કોઈ બાઈક કે અન્ય નાનું વાહન આવી રહ્યું હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

મેટલ રોડ પર પથરાઈ જતાં માર્ગ પર વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને વાહનચાલકોને રોકી રોડ પર પડેલા મેટલ હટાવી રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કર્યો હતો.
ભારે વાહનોમાં ડ્રાઈવર સાથે ક્લીનર રાખવાની વ્યવસ્થા હોવા છતાં માત્ર ડ્રાઈવરના ભરોસે હાઈવા ટ્રકો દોડાવાતા હોવાના કારણે આવી ઘટનાઓ સર્જાઈ રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ચાલુ વાહનમાં ડાલુ ખુલી જવી અને મેટલ જાહેર માર્ગ પર પથરાઈ જવા જેવી ગંભીર ઘટનામાં જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી છે.

જવાબદારીમાંથી છટકવા ચાલક સ્થળ પરથી ફરાર
જાહેર માર્ગ પર મેટલ પાથરી દેવાની ગંભીર ઘટના બાદ હાઈવા ચાલક સ્થળ પરથી વાહન સાથે ભાગી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોતાની બેદરકારીથી વાહનચાલકોના જીવ જોખમમાં મૂક્યા બાદ જવાબદારીમાંથી છટકી જવા સ્થળ છોડનાર ચાલક સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સવાલ એ છે કે, જો રિક્ષા ચાલકે સમયસર બ્રેક ન મારી હોત તો આ ઘટનાનું પરિણામ કેટલું ગંભીર બન્યું હોત? તંત્ર દ્વારા આવા બેદરકાર હાઈવા ચાલકો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
