(કાજર બારીઆ)
છોટાઉદેપુર તાલુકાની કીડીઘોઘાદેવ પ્રાથમિક શાળા ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની પરંપરાગત સંસ્કૃતિ અને ભારે ઉત્સાહ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ગૌરવશાળી પ્રસંગે આદિવાસી સમાજનું ગૌરવ અને છોટાઉદેપુર જિલ્લાના પ્રથમ આઇએફએસ (IFS) અધિકારી મહેન્દ્રસિંહ રાઠવા મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં પદ્મશ્રી પરેશભાઈ રાઠવા, અગ્રણી સામાજિક કાર્યકર વાલસિંગભાઈ રાઠવા, નિરંજનભાઈ રાઠવા, ગોપાલભાઇ રાઠવા તેમજ મનુભાઈ રાઠવા જેવા સમાજના અગ્રણીઓ હાજરી આપી હતી. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પ્રાસંગિક વક્તવ્ય આપતા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના મહત્વ, તેના ઇતિહાસ અને આદિવાસી સંસ્કૃતિના જતન અંગે વિસ્તૃત ચિતાર આપ્યો હતો.આ ઉજવણીની મુખ્ય વિશેષતા એ હતી કે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક ગ્રામજનો પોતાના પરંપરાગત આદિવાસી પહેરવેશમાં સજ્જ થઈને આવ્યા હતા. સમગ્ર વાતાવરણ આદિવાસીઓના પારંપરિક વાજિંત્રો ‘મોટલા ઢોલ’ અને ‘મોટલા પીહા’ના મધુર તાલે ગુંજી ઉઠ્યું હતું. પરંપરાગત સંગીતના તાલે સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા અને પોતાની સાંસ્કૃતિક ધરોહરને ગર્વભેર ઉજવી હતી.

કાર્યક્રમમાં કીડીઘોઘાદેવ ના પૂર્વ સરપંચ રૂપસિંગભાઇ રાઠવા, જિલ્લા પંચાયત સદસ્ય મિરાબેન રાઠવા સહિત સ્થાનિક આગેવાનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સીઆરસી કો ઓર્ડીનેટર વરશનભાઈ રાઠવા અને શાળા પરિવાર વિનોદભાઈ રાઠવા, જગદીશ ભાઈ રાઠવા સહિત પ્રાથમિક શાળા તથા સરકારી માધ્યમિક હાઈસ્કૂલના સ્ટાફ તથા ૬૦૦ થી વધુ વિધાર્થીઓ અને ગ્રામજનો જોડાયા હતા અને સંયુક્ત પ્રયાસોથી યોજાયેલો આ કાર્યક્રમ આદિવાસી સંસ્કૃતિ અને એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યો હતો.
કાર્યક્રમ બાદ ધરતી પ્રદુષણ મુક્ત અને લીલી રહે તે માટે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
