(વડોદરા, તા.૦૬)
રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ કાર્યરત વડોદરા જિલ્લામાં બાળ કલ્યાણ વિભાગ દ્વારા બાળ સુરક્ષાની વિવિધ ત્રિમાસિક સમીક્ષા બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમા જિલ્લા વિકાસ અધિકારીશ્રી આનંદ પાટીલ સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે ‘પાલક માતા-પિતા યોજના’ અન્વયે ખાસ પસંદગી પામેલા ૦૪ જરૂરિયાતમંદ બાળકોના પાલક માતા-પિતાને મંજૂરી આદેશનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન જે બાળકોના માતા-પિતા બંનેનું અવસાન થયેલ હોય અથવા માતા-પિતામાંથી કોઈ એકનું અવસાન થયું હોય અને હયાત વાલીએ પુનઃલગ્ન કર્યા હોય, તેવા નિરાધાર બાળકોના સર્વાંગી વિકાસ અને પાલનપોષણ માટે આર્થિક સહાયના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ડી. વી. સાવલિયા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી બી. પી. ચુડાસમા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમિત વસાવા તેમજ પ્રોટેક્શન ઓફિસર જીતેન્દ્ર મહેરિયા સહિત વિભાગના અન્ય અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.