અવધ એક્સપ્રેસ | વડોદરા
ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત ‘સારંગ’ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ દ્વારા ૧૧મી સ્ક્વોડ્રનની પ્લેટિનમ જયંતી ઉજવણીના ભાગરૂપે વડોદરા એરફિલ્ડ ખાતે આકાશમાં અત્યંત મનમોહક અને દ્વશ્યાત્મક હવાઈ કરતબો રજૂ કરવામાં આવ્યા હતા, જેણે ઉપસ્થિત વિશાળ જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી.

ભારતમાં જ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત પાંચ ‘અદ્યતન હળવા હેલિકોપ્ટર’ (ALH) ‘ધ્રુવ’ સાથે ઉડાન ભરતી ‘સારંગ’ ટીમ વિશ્વભરમાં લશ્કરી હેલિકોપ્ટરની એકમાત્ર અનોખી એરોબેટિક ડિસ્પ્લે ટીમ તરીકે વિશિષ્ટ ગૌરવ ધરાવે છે. અત્યંત નજીકની ક્લોઝ-ફોર્મેશન ફ્લાઈંગ, સુમેળભર્યા દાવપેચ અને અસાધારણ ચોકસાઈ માટે જાણીતી આ ટીમ ભારતીય વાયુસેનાના વીર યોદ્ધાઓની વ્યાવસાયિક કુશળતા અને ભારતની સ્વદેશી એરોસ્પેસ ક્ષમતાઓની પ્રચંડ તાકાતનું પ્રતીક છે. રાષ્ટ્રીય પક્ષી મોરની ગરિમા અને સુંદરતાથી પ્રેરિત, આ ટીમનાં આકર્ષક રંગોવાળાં હેલિકોપ્ટરો સાહસ, ઉત્કૃષ્ટતા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના વ્યક્ત કરે છે. આ ટીમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અસંખ્ય પ્રસંગોએ પોતાની કલાનું પ્રદર્શન કરી વાયુસેનાના હેલિકોપ્ટર પાઈલટોની દક્ષતા, સ્વદેશી યંત્રોની ક્ષમતા અને સર્વોપરી ભારતીય વાયુસેનાની તાકાતનો ભવ્ય પરિચય કરાવ્યો છે.

આ ભવ્ય હવાઈ પ્રદર્શન દરમિયાન ટીમ દ્વારા ‘ઈન્ડિયા’, ‘ડાયમંડ’, ‘હાર્ટ’, ‘લેવલ ક્રોસ’, સિગ્નેચર ‘સારંગ સ્પ્લિટ’, ‘ક્રોસ ઓવર બ્રેક’ અને ‘સ્ટોલ ટર્ન’ જેવા અનોખા તથા જોખમી કરતબો રજૂ કરવામાં આવ્યા હતા, જેને નિહાળી ખાસ કરીને યુવા દર્શકો અને બાળકો ભારે રોમાંચ અનુભવતા નજરે પડ્યા હતા. આ આયોજન વિદ્યાર્થીઓ અને યુવા ઉડ્ડયન ઉત્સાહીઓ માટે અત્યંત પ્રેરણાદાયી સાબિત થયું છે, જેનાથી તેઓ ઉડ્ડયન જગત, વિજ્ઞાન, આધુનિક ટેકનોલોજી અને સશસ્ત્ર દળોમાં કારકિર્દીની ઉજ્જવળ તકોથી વધુ નજીકથી પરિચિત થયા છે.
